ટીમ ઈન્ડિયાને માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા બે મોટા ઝટકા, નીતિશ આખી શ્રેણીમાંથી અને અર્શદીપ આગામી મેચમાંથી બહાર

BCCIએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ડાબા ઘૂંટણની ઈજાને કારણે બાકીની બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. નીતિશ ઘરે પરત ફરશે અને ટીમ તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે.
અર્શદીપ સિંહને માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. બેકનહામમાં તાલીમ સત્ર દરમિયાન નેટ પર બોલિંગ કરતી વખતે તેને ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ તેમની પ્રગતિ પર નજર રાખી રહી છે.
પુરુષોની પસંદગી સમિતિએ અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યા છે. કંબોજ માન્ચેસ્ટરમાં ટીમમાં જોડાયા છે. ચોથી ટેસ્ટ 23 જુલાઈ, 2025 થી શરૂ થશે.’
નીતિશનું બોલ સાથે પ્રદર્શન શાનદાર
અર્શદીપ આ શ્રેણીમાં અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યો નથી, જ્યારે નીતિશે લોર્ડ્સ અને એજબેસ્ટનમાં બે ટેસ્ટ રમી હતી. બોલ સાથે તેનું પ્રદર્શન સારું હતું, પરંતુ તે બેટ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત, ફાસ્ટ બોલર આકાશ દીપ પણ ઇજાથી પીડાઈ રહ્યો છે. તેની ઉપલબ્ધતા પર પણ શંકા છે, પરંતુ BCCI તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બે મેચમાં ઈન્ડિયા A માટે સારું પ્રદર્શન
અંશુલે ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બે મેચમાં ઈન્ડિયા A માટે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે નોર્થમ્પ્ટન અને કેન્ટરબરીમાં ચાર ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. ગયા વર્ષે લાહલી ખાતે કેરળ સામેની રણજી ટ્રોફી મેચમાં તેણે હરિયાણા માટે એક ઇનિંગ્સમાં દસ વિકેટ લીધી હતી.
તે બંગાળના પ્રેમાંશુ ચેટર્જી (1956-57) અને રાજસ્થાનના પ્રદીપ સોમસુંદરમ (1985-86) પછી આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બોલર બન્યો હતો. તેણે ગયા સિઝનમાં 6 રણજી મેચમાં 34 વિકેટ લીધી હતી.