સ્પોર્ટ્સ

લોર્ડ્સ ટેસ્ટમાં જીત પછી પણ ઇંગ્લેન્ડે કરી આ ‘ભૂલ’, WTC પોઈન્ટ કાપવામાં આવ્યા, ICCએ ફટકાર્યો દંડ

ભારત સામે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સ્લો ઓવર-રેટને કારણે ઇંગ્લેન્ડના 2 પોઇન્ટ કાપવામાં આવ્યા છે . આ પછી, તે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઇન્ટ ટેબલમાં એક સ્થાન નીચે ખસીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ટીમ ઈન્ડિયા સામે 22 રનની જીત છતાં, બેન સ્ટોક્સ અને તેની ટીમને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. મેચ રેફરી રિચી રિચાર્ડસનએ આ સજા ત્યારે આપી જ્યારે ઇંગ્લેન્ડની ટીમ નિર્ધારિત સમયમાં 2 ઓવર ઓછી બોલિંગ કરવા બદલ દોષિત સાબિત થઈ.

ICCએ શું કહ્યું?

ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની આચારસંહિતાની કલમ 2.22 મુજબ, જે ન્યૂનતમ ઓવર-રેટ ઉલ્લંઘન સાથે સંબંધિત છે, ખેલાડીઓને નિર્ધારિત સમય કરતા ઓછી ફેંકાયેલી દરેક ઓવર માટે તેમની મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવે છે.’ ICC એ વધુમાં કહ્યું, ‘આ ઉપરાંત, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાના નિયમોના કલમ 16.11.2 મુજબ, દરેક ઓવર ઓછી હોવા પર ટીમમાંથી એક પોઈન્ટ કાપવામાં આવે છે. આ કારણોસર, ઈંગ્લેન્ડના કુલ પોઈન્ટમાંથી 2 પોઈન્ટ કાપવામાં આવ્યા છે.’

શ્રીલંકા બીજા સ્થાને પહોંચ્યું

ઇંગ્લેન્ડના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ 24 થી ઘટીને 22 (કુલ 36 માંથી) થઈ ગયા છે, જેના કારણે તેમનો પોઈન્ટ પર્સન્ટેજ (PCT) 66.67% થી ઘટીને 61.11% થઈ ગયો છે. આનાથી શ્રીલંકા, જેનો પોઈન્ટ પર્સન્ટેજ 66.67% છે, તે ઇંગ્લેન્ડને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયું છે.

ઓસ્ટ્રેલિયા WTC ટેબલમાં ટોપ પર

ઓસ્ટ્રેલિયા WTC ટેબલમાં 100% PCT સાથે ટોચ પર છે, તેમણે અત્યાર સુધી ત્રણેય મેચ જીતી છે. ભારતનો PCT હાલમાં 33.33% છે અને તેઓ ચોથા સ્થાને છે.ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પોતાનો ગુનો સ્વીકાર્યો અને પ્રસ્તાવિત દંડ સ્વીકાર્યો, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. મેદાન પરના અમ્પાયર પોલ રાઈફલ અને શરાફુદ્દૌલા ઈબ્ને શાહિદ, ત્રીજા અમ્પાયર અહસાન રઝા અને ચોથા અમ્પાયર ગ્રેહામ લોયડ દ્વારા આરોપો લગાવવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button