Char Char Bangadiwali : ગુજરાત હાઈકોર્ટે ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત પરથી સ્ટે હટાવ્યો

નવરાત્રિની શરૂઆત પહેલાં જ ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. હાઈકોર્ટે ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત પરનો સ્ટે હટાવી લીધો છે. જે 30 જાન્યુઆરી 2024થી લાગુ હતો. આ નિર્ણય આઠ અઠવાડિયા સુધી ચાલેલી અપીલ બાદ આવ્યો છે, જેના કારણે કિંજલ દવે હવે આ લોકપ્રિય ગીત ફરીથી સ્ટેજ પર રજૂ કરી શકશે.
કોણે કેસ દાખલ કર્યો હતો
આ કેસ રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપની દ્વારા કિંજલ દવે, આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે કોપીરાઈટના ઉલ્લંઘનનો હતો. વર્ષ 2019માં કંપનીએ અમદાવાદની સેશન્સ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો કે ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતનું નિર્માણ મ્યુઝિક કમ્પોઝર કાર્તિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, અને કિંજલ દવેએ ગીતની કોપી કરી યુ-ટ્યુબ પર રિલીઝ કર્યું હતું.
30મી જાન્યુઆરી 2024થી ગીત પર પરફોર્મન્સ કરવા પર સ્ટે મુકાયો હતો
રેડ રિબન કંપનીએ કોર્ટમાં એવી માગણી કરી હતી કે કિંજલ દવે સહિતની કંપનીઓને આ ગીત સંબંધિત તમામ પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે અને કેસ દાખલ થયા પછી થયેલી કમાણી પર 18% વ્યાજ સાથે વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત કિંજલ દવેએ અત્યાર સુધીમાં 200 સ્ટેજ પરફોર્મન્સમાં આ ગીત ગાઈ ચૂકી છે.કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30મી જાન્યુઆરી 2024થી ગીત પર પરફોર્મન્સ કરવા પર સ્ટે મુકાયો હતો.