ISROએ NASA સાથે મળી લોન્ચ કર્યું NISAR મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ

આજે બુધવારે સાંજે 5:40 વાગ્યે શ્રીહરિકોટામાં આવેલ સતિષ ધવન સ્પેસ સેન્ટર પરથી ઈસરો અને નાસાએ સંયુક્ત રીતે વિકસાવેલ ‘નિસાર’ ઉપગ્રહને GSLV-S16 રોકેટ દ્વારા લોન્ચ કર્યો.
‘નિસાર’ એટલે નાસા-ઈસરો સિન્થેટિક એપરચર રડાર, જેને સન-સિંક્રોનસ ઓર્બિટ એટલે કે સૂર્ય-સ્થિર ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ એવું પહેલું મિશન છે જેમાં GSLV દ્વારા આ પ્રકારની કક્ષામાં ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે.
L-બેન્ડ અને S-બેન્ડથી સજ્જ ઉપગ્રહ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ યુનિક મિશન
આ મિશન અંતર્ગત, ઉપગ્રહને પૃથ્વીથી આશરે 745 કિમી ઉપર ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી તે પૃથ્વીના ધ્રુવો પાસેથી પસાર થશે અને દરેક ઓબ્ઝર્વેશન સમયે સમાન પ્રકાશસ્થિતિ રહેશે. નાસાએ આ ઉપગ્રહ માટે એલ-બેન્ડ સિસ્ટમ આપેલી છે,
જ્યારે ઈસરોએ S-બેન્ડ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી છે, જેના કારણે તે એકસાથે મોટા પ્રમાણમાં ડેટા એકત્રિત કરી શકે છે. નિસાર મહાસાગરો, એન્ટાર્કટિકા અને અન્ય અનેક પ્રદેશોથી સંવેદનશીલ માહિતી પ્રસારિત કરશે.
જળ, હિમનદીઓ, જંગલ અને પર્વતોમાં ફેરફારો પર નીરીક્ષણ
ઈસરોના જણાવ્યા પ્રમાણે, નિસાર સમગ્ર પૃથ્વી પરથી માહિતી એકત્ર કરશે, જેને વૈજ્ઞાનિક તેમજ કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે. ઇસરો આ ડેટાનું પ્રોસેસિંગ કરી મોટા ભાગના ભાગને ઓપન સોર્સ તરીકે જાહેર કરશે.
આથી વૈશ્વિક સંશોધકો હિમાલય કે એન્ટાર્કટિકા જેવા અપ્રાપ્ય વિસ્તારોમાં થતા પૃથ્વી સંબંધિત બદલાવ જેવા કે હિમનદીઓની હિલચાલ, જંગલ વિસ્તારમાં ફેરફાર કે પર્વત શૃંખલાઓની સ્થિતિમાં બદલાવનું ચોકસાઇથી નિરીક્ષણ કરી શકશે.