Navsari Tora Tora Ride Collapsed: નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં રાઈડ તૂટી પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ

શ્રાવણ મહિનામાં અલગ અલગ જિલ્લાઓમાં મેળો ભરાતો હોય છે. નવસારીના બીલીમોરામાં સોમનાથ મેળો ભરાયો હતો. મેળાની તેમજ રાઈડની મજા માણવા અનેક લોકો મેળામાં આવતા હોય છે.
બીલીમોરામાં ભરાયેલ મેળામાં અચાનક એક રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. આ બાબતની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી.
રાઈડ તૂટી પડતા નાસભાગ મચી
ગણદેવીના સોમનાથ મેળામાં રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. તેમજ રાઈડ તૂટતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોને ઇજા થઈ છે,
જેમાં 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટરને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ બીલીમોરા પોલીસે દુર્ઘટનાને પગલે હાલ તમામ રાઈડ બંધ કરાવી છે.
રાઈડ તૂટવાનું શું હતું કારણ?
નવસારીના બીલીમોરા ખાતે સોમનાથ મેળામાં કોર્પોરેશન દ્વારા રાઈડની એસઓપીનું પાલન કરવા સહિતની મંજૂરી આપવામાં આવતી હોય છે. ઘણી વખત રાઈડની તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં ન આવતા દુર્ઘટના સર્જાય છે.
જેમાં રાઈડ તૂટી જતા લોકો જીવ ગુમાવે છે અથવા તો ઈજાગ્રસ્ત થતા હોય છે. મેળા સંચાલકો પણ રૂપિયા કમાવવાની લ્હાયમાં રાઈડ સંચાલકોને મંજૂરીઆપી દેતા હોય છે. રાઈડ સંચાલકો રાઈડનું મેઈન્ટેનન્સ પણ કરતા હોતા નથી. જેથી મોટી દુર્ઘટના સર્જાય છે.