Ranji trophy 2025-26: અજિંક્ય રહાણેએ મુંબઈ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું

ભારતના અનુભવી ક્રિકેટર અજિંક્ય રહાણેએ 2025-26 ડોમેસ્ટિક સીઝન પહેલા મુંબઈ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. તેણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ને જાણ કરી છે. જોકે, તેણે બેટર તરીકે રમવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
નવા લીડરને તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે: રહાણે
અજિંક્ય રહાણેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘મુંબઈ ટીમનું નેતૃત્વ કરવું અને ચેમ્પિયનશિપ જીતવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આગળ એક નવી ડોમેસ્ટિક સીઝન છે, અને મારું માનવું છે કે નવા લીડરને તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે. તેથી મેં કેપ્ટનશીપની ભૂમિકા ચાલુ ન રાખવાનો નિર્ણય લીધો છે. હું એક ખેલાડી તરીકે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ અને MCA સાથે મારી સફર ચાલુ રાખીશ.’
મુંબઈએ 2024માં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવી હતી
37 વર્ષીય રહાણેએ 2023-24માં મુંબઈને 42મો રણજી ટ્રોફી ખિતાબ અપાવ્યો અને નવ વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો. જોકે છેલ્લા બે વર્ષમાં રેડ બોલ સાથે તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. તેણે 27 ઇનિંગ્સમાં કુલ 467 રન બનાવ્યા. જેમાં ફક્ત એક સદીનો સમાવેશ થાય છે.
IPL 2025માં KKRનો કેપ્ટન બન્યો હતો
રહાણે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બન્યો હતો. તેણે 14 ઇનિંગ્સમાં સૌથી વધુ 390 રન બનાવ્યા હતા. તેની કેપ્ટનશીપ હેઠળ કેકેઆર આઠમા સ્થાને રહ્યું હતું.