સાંસદ કંગના રનૌતને મોટો ઝટકો, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે માનહાનિનો કેસ રદ કરવાનો ઇનકાર કર્યો

બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌતને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે કંગના રનૌત દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે,
જેમાં તેણીએ ભટિંડા કોર્ટમાં તેની સામે પેન્ડિંગ ફોજદારી માનહાનિ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી. જસ્ટિસ ત્રિભુવન દહિયાની સિંગલ બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે પ્રથમ દ્રષ્ટિએ તેના વિરુદ્ધ IPCની કલમ 499 અને 500 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે અને મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ સમન્સ ઓર્ડર કાયદેસર છે.
આ વિવાદ કંગનાએ ખેડૂત આંદોલન દરમિયાન પોસ્ટ કરેલા એક ટ્વિટને લઈને છે. એક ટ્વિટને રીટ્વીટ કરતી વખતે તેણે લખ્યું કે ‘હા હા હા આ એ જ દાદી છે જે ટાઈમ મેગેઝિનમાં સૌથી પ્રભાવશાળી ભારતીય તરીકે છવાઈ હતી… અને તે 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.’
આ રીટ્વીટમાં ભટિંડાની રહેવાસી મહિન્દર કૌરનો ફોટો હતો, જેમણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે દિલ્હીની શાહીન બાગની વિરોધ કરતી મહિલા સાથે ખોટી રીતે જોડીને તેમની છબી ખરડવામાં આવી છે.
ટ્વીટમાં તેનો ઇરાદો ખોટો નહોતો
કંગના વિરુદ્ધ સમન્સ જારી કરતી વખતે, મેજિસ્ટ્રેટે માન્યું હતું કે આ નિવેદન તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અને જાહેર વ્યક્તિત્વ હોવાને કારણે કંગનાએ વધુ જવાબદારીપૂર્વક વર્તવું જોઈતું હતું.
હાઇકોર્ટે એમ પણ કહ્યું કે મેજિસ્ટ્રેટે તમામ પુરાવાઓની સમીક્ષા કર્યા પછી કાનૂની પ્રક્રિયાને અનુસરીને સમન્સ જારી કર્યા હતા અને રિપોર્ટ ન મળ્યો હોવા છતાં પ્રક્રિયા માન્ય રહી હતી.
કંગના વતી દલીલ કરવામાં આવી હતી કે ટ્વીટમાં તેનો ઇરાદો ખોટો નહોતો અને તેણે ‘સારા વિશ્વાસ’થી આ ટ્વીટ કર્યું હતું, પરંતુ કોર્ટે તેને સ્વીકાર્યું નહીં. ઉપરાંત, ફરિયાદ ફક્ત કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી જ્યારે મૂળ ટ્વીટ કરનાર ગૌતમ યાદવને ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યો ન હતો તે દલીલને પણ ફગાવી દેવામાં આવી હત.