શ્રેયસ તલપડેને સુપ્રીમ કોર્ટે આપી રાહત, કરોડોની છેતરપિંડીના કેસમાં ધરપકડ પર સ્ટે

અભિનેતા શ્રેયસ તલપડેને 9.12 કરોડની આર્થિક છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટે ધરપકડથી તાત્કાલિક રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તલપડેની ધરપકડ પર સ્ટે આપતા હરિયાણા પોલીસને નોટિસ ફટકારી છે.
હરિયાણા પોલીસને સુનાવણી પહેલા નોટિસ
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે શ્રેયસ તલપડે દ્વારા દાખલ અરજી પર હરિયાણા પોલીસ અને અન્ય સંડોવાયેલા પક્ષોને જવાબ માગતી નોટિસ જારી કરી છે.
13 લોકો સામે નોંધાયેલી FIR
સોનીપતની મુરથલ સોસાયટી વિરુદ્ધ એક ચિટફંડ ગેરરીતિ મામલે શ્રેયસ તલપડે, જાણીતા અભિનેતા આલોક નાથ અને અન્ય 11 લોકો સહિત કુલ 13 સામે FIR નોંધવામાં આવી છે. અહેવાલ મુજબ, એક મલ્ટી-માર્કેટિંગ કંપની દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેતાઓનો ઉપયોગ કરીને લોકો પાસેથી રૂપિયા વસૂલાયા હતા.
45 લોકોથી 9.12 કરોડ રૂપિયાની છેતરપિંડી
આ કંપનીએ લોકો પાસેથી 6 વર્ષમાં દોઢ ગણું રિટર્ન આપવાના વાયદા સાથે રૂપિયા વસૂલ્યા હતા. સંચાલકોએ એજન્ટ તરીકે લોકોની નિમણૂક કરીને વધુ રોકાણકારોને જોડાવા માટે પ્રેરણા આપી. નવા રોકાણ સાથે ઓફિસો બંધ થતી ગઈ અને અનેક રોકાણકારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
નોંધનીય છે કે, લખનઉ સહિત વિવિધ શહેરોમાં ફરિયાદો બાદ તલપડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તમામ FIRને જોડીને એકસાથે તપાસ કરવાની માગ કરી છે.