વડોદરા નેશનલ હાઈવે 48 પર 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો કલાકો સુધી ફસાયા

જામ્બુવા વિસ્તારમાં અચાનક વધી ગયેલા ટ્રાફિક અને સાંકળા માર્ગના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વાહનોના વધારા અને પૂરતી વ્યવસ્થા ના હોવાના કારણે રસ્તાઓ પર લાંબા સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ ઘટનાને કારણે લોકોએ તેમના દૈનિક કામમાં વિક્ષેપ અનુભવ્યો હતો. વાહનચાલકો અને આસપાસના રહેવાસીઓએ ટ્રાફિક પોલીસ તથા નેશનલ હાઈવે ઓથોરિટી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
તેમનો આરોપ છે કે તંત્ર તરફથી સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અને સમસ્યાને સતત અવગણવામાં આવે છે. જેના કારણે તેમને વારંવાર આવાં કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.
એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનો પણ ફસાયા
લોકો કહે છે કે બ્રિજના વિસ્તરણનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ધીમા ગતિએ ચાલી રહ્યું છે. આ કામગીરી પૂરતી ઝડપથી આગળ ન વધતી હોવાથી રોજની મુસાફરીમાં વિલંબ અને તણાવ સર્જાય છે.
કેટલીકવાર એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનો પણ ફસાઈ જતાં જીવલેણ પરિસ્થિતિ ઊભી થાય છે. આકરા વિરોધ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
હવે સ્થાનિક લોકો અને વાહનચાલકો તંત્ર પાસે તાત્કાલિક અસરકારક કામગીરી શરૂ કરવા તથા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. પબ્લિકથી મળતી ફરિયાદોને ધ્યાને લઈ જવાબદાર વિભાગોએ તાત્કાલિક પગલાં લેવું જરૂરી બન્યું છે.