terrorists killed : ગુરેજ સેક્ટરમાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં સુરક્ષા દળોએ LOC નજીક ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓના મોત નીપજ્યાં છે. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર માહિતી આપી હતી.
ગુરેજ સેક્ટરમાં સંયુક્ત અભિયાન ચલાવ્યું
સોશિયલ મીડિયા X પર જણાવાયું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલી ચોક્કસ ગુપ્તચર માહિતીના આધારે ભારતીય સેના અને સ્થાનિક પોલીસએ ગુરેજ સેક્ટરમાં સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું.
ઘૂસણખોરોને રોકવામાં આવતા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના જવાબી હુમલામાં તેઓ ઠાર થયા. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઘૂસણખોરીનો તાજેતરમાં બીજો પ્રયાસ
આ ઘટના તાજેતરના દિવસોમાં ઘૂસણખોરીનો બીજો પ્રયાસ છે. ત્રણ દિવસ પહેલા બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં પણ LOC નજીક શંકાસ્પદ હલચલ જોવા મળી હતી. તે પહેલાં 13 ઓગસ્ટે આ જ વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો.