Ahmedabad Firing ગોળી વાગતા એકનું મોત, મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતા રહસ્ય ઘેરાયું

ગુજરાતમાં અસામાજિક તત્વો બેફાન બની રહ્યા છે. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદ જેવા શહેરમાં ફાયરિંગ અને ઘાતક હથિયારો લઈને ફરતા ગુંડાઓના સમાચાર જાણે સામાન્ય બની રહ્યા છે.
એવામાં શહેરમાંથી ખુલ્લેઆમ ફાયરિંગની વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં અજાણ્યા યુવકો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જોકે, હત્યાએ પોલીસને ગોથે ચઢાવી છે.
કારણ કે, મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી છે. પરંતુ, ઘટનાસ્થળેથી પોલીસને કોઈ હથિયાર મળ્યું નથી. તેથી, આ હત્યા છે કે, આપઘાત તે તપાસવામાં પોલીસની SOG અને LCBની ટીમ ચકરાવે ચઢી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદમાં મંગળવારે (5 ઓગસ્ટ) મોટી રાત્રે બોપલ વિસ્તારમાં કબીર એન્ક્લેવ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કલ્પેશ ટુંડીયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે બે વ્યક્તિઓ કલ્પેશના નિવાસસ્થાને આવ્યા હતા.
આ દરમિયાન કલ્પેશની પત્ની અને દીકરી ઘરમાં નીચે હતા. થોડીવાર બાદ બંનેને ગોળીનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોયું કે, ગોળી વાગવાના કારણે કલ્પેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો.
ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.