Amreli News : અમરેલીમાં માવજીંજવાના સરપંચની દાદાગીરી! PGVCL અધિકારીઓને આપી ધમકી

અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામમાં વીજ ચેકીંગ કરવા ગયેલા PGVCL અધિકારીઓને ગામના સરપંચ મુનાભાઈ ભાઈ સભાડિયા તથા ગ્રામ્યજનો દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. વીજ મેન્ટેન્સના મુદ્દે થયેલા વિવાદ બાદ મામલો ગરમાયો હતો.
સરપંચની ખુલ્લી ધમકી
માહિતી મુજબ, PGVCL અમરેલી ડિવિઝનના અધિકારીઓ ચેકીંગ માટે ગામમાં પ્રવેશ્યા હતા ત્યારે સરપંચ સહિત ગ્રામ્યજનો એકઠા થઈ ગયા. સરપંચે અધિકારીઓને કહ્યું કે, ‘મને પૂછ્યા વિના ગામમાં ઘુસશો તો કોકના ટાંગા-બાંગા ધોવાઈ જશે.’
આ વાતને કારણે ગામમાં તંગદિલી સર્જાઈ હતી અને અધિકારીઓને પોલીસની હાજરીમાં ખુલ્લી ધમકી આપવામાં આવી હતી.
અધિકારીઓની બોલતી બંધ
ગ્રામજનો અને સરપંચનો આક્ષેપ છે કે PGVCL પહેલાં ગામના જૂના કનેક્શનનું મેન્ટેન્સ કરે, ત્યાર બાદ જ નવા ચેકીંગની કાર્યવાહી કરે. સરપંચના આકરા તેવર બાદ અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ હતી.
અંતે, સરપંચ અને ગ્રામજનોના વિરોધ બાદ PGVCLની ત્રણ ગાડીઓએ માવજીંજવા ગામમાંથી ચાલતી પકડી હતી. આ ઘટનાએ ગામમાં ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે અને હવે તંત્ર દ્વારા આગળ શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું.