Ahmedabad News: શાળામાં હત્યા, મામલો બિચક્યો, કોમી સ્વરૂપ ધારણ કર્યું, તંગદિલી વ્યાપી ગઈ, પોલીસ ખડેપગે

અમદાવાદ શહેરમાં કોમી રમખાણ, કોમવાદ, કોમી ભેદભાવ હજુ જાણે કે સપાટી પર જ હોય તેમ શહેરના ખોખર વિસ્તારમાં એક શાળામાં લઘુમતી સમુદાયના ઘોરણ 8 ના એક વિદ્યાર્થી દ્વારા ધક્કામુક્કીના સામાન્ય બનાવમાં બહુમતી સમુદાયના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરીને મોત નિપજાવતા મામલો એવો બિચકી ગયો છે કે બંને સમુદાયો સામસામે આવી ગયા છે.
આ ઉપરાંત VHP, બજરંગ દળના કાર્યકરો કેસરી ખેસ પહેરીને ઘટનાસ્થળે પહોંચતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે. દરમિયાન, બનાવ સ્થળે પહોંચેલી મીડિયા ટીમને પણ નિશાન બનાવીને તેમની સાથે ગેરવર્તન, ધક્કામુક્કી અને બળનો પ્રયોગ થયાના અહેવાલ પણ છે.
ઘટનાના ઊંડાણમાં જોઈએ તો હુમલો કરનાર અને સમગ્ર વિસ્તારના વાતાવરણને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદમાં મંગળવારે (19 ઓગસ્ટ) ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8 ના વિદ્યાર્થીએ ધો-10 ના વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે વિદ્યાર્થીનું મોત થયું હતું. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળા બહાર છરી મારી દેતા ચકચાર મચી છે.
ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
હવે આ મામલો વણસતો દેખાઈ રહ્યો છે. વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત વાલીઓ સહિત આસપાસના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી છે.