Gujarati : નેપાળની અશાંતિ વચ્ચે કાઠમાંડુ એરપોર્ટ બંધ, 100થી વધુ ગુજરાતી પ્રવાસીઓ ફસાયા

ગુજરાતી પ્રવાસીઓએ અમદાવાદના MLA અમૂલ ભટ્ટ, કૌશિક જૈન અને હર્ષદ પટેલને સંપર્ક કર્યો છે. સાથે જ, તેઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અંગત સહાયકને પણ મદદ માટે ફોન કર્યો છે.
તાત્કાલિક સ્તરે આ મુદ્દાને ગંભીરતાથી લઈ ગુજરાત સરકાર સક્રિય થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષા માટે વહીવટ વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત સંપર્કમાં છે. તેમને સલામત રીતે પરત લાવવા માટે ઝડપથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
” હાલની પરિસ્થિતિમાં સવાલ એ છે કે, કાઠમાંડુ એરપોર્ટ ક્યારે ફરી શરૂ થશે અને ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓને કઈ રીતે સુરક્ષિત બહાર લાવવામાં આવશે.
Gen-Z પ્રદર્શનકારીઓની માંગણીઓ
આંદોલનને આગળ ધપાવનારા યુવા પ્રદર્શનકારીઓએ પોતાની માંગણીઓ રાષ્ટ્રપતિ અને નેપાળી સેનાને સોંપી છે. તેમણે શહીદ થયેલા લોકોને સત્તાવાર માન્યતા, તેમના પરિવારને સહાય અને રાષ્ટ્રીય સન્માન આપવાની માંગણી કરી છે. સાથે જ બેરોજગારી, પલાયન અને સામાજિક અસમાનતાના નિવારણ માટે તાત્કાલિક કાર્યક્રમો અમલમાં મૂકવા પર ભાર મૂક્યો છે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે આ લડત કોઈ પક્ષ માટે નહીં પરંતુ આખી પેઢી અને રાષ્ટ્રના ભવિષ્ય માટે છે.
મુખ્ય રાજકીય માંગણીઓ
પ્રદર્શનકારીઓએ વર્તમાન પ્રતિનિધિ સભાને તાત્કાલિક ભંગ કરવાની, બંધારણમાં સુધારો અથવા પુનર્લેખન કરવાની અને નાગરિકો, નિષ્ણાતો તેમજ યુવાનોને તેમાં સામેલ કરવાની માંગણી કરી છે. આ ઉપરાંત, વચગાળાના સમયમાં બાદમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજી સીધા ચૂંટાયેલા કાર્યકારી નેતૃત્વની સ્થાપના કરવાની પણ માંગણી છે.
તાત્કાલિક પગલાં અને કર્ફ્યુ
યુવા આંદોલનકારીઓએ ગેરકાયદેસર રીતે એકત્રિત થયેલી છેલ્લા ત્રણ દાયકાની સંપત્તિની તપાસ અને રાષ્ટ્રીયકરણ કરવાની માગ કરી છે. સાથે જ શિક્ષણ, આરોગ્ય, ન્યાય, સુરક્ષા અને સંચાર ક્ષેત્રે માળખાકીય સુધારાઓ કરવાની જરૂરિયાત દર્શાવી છે. હાલ સતત વધતા તણાવને જોતા નેપાળી સેનાએ આખા દેશમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરી દીધો છે.