Nepal hotel burns : નેપાળમાં હિંસાનો ભોગ બન્યા ભારતીય પ્રવાસી, હોટલમાં આગ લાગતા મહિલાનું મોત

નેપાળમાં ચાલી રહેલા Gen-Z આંદોલનથી ભડકેલી હિંસાનો ભોગ એક ભારતીય પરિવાર બન્યો છે. ગાઝિયાબાદના ટ્રાન્સપોર્ટર રામવીર સિંહ ગોલા પત્ની રાજેશ દેવી સાથે કાઠમંડુના પશુપતિનાથ મંદિરના દર્શન કરવા ગયા હતા.
પરંતુ 9 સપ્ટેમ્બરની રાત્રે હિંસક ટોળાએ તેમની હોટલમાં આગ લગાવી દીધી હતી. ધુમાડો અને આગથી ઘેરાઈ જતા બંનેએ ચોથા માળેથી કૂદકો મારવાનો નિર્ણય લીધો. રામવીરને નાની ઈજાઓ પહોંચી, જ્યારે રાજેશ દેવી ગંભીર રીતે ઘાયલ થઈ. સારવાર દરમિયાન 10 સપ્ટેમ્બરની રાત્રે તેમનું મૃત્યુ થયું.
પિતાને તેમની સાથે જવા દેવામાં આવ્યા ન હતા
મૃતક રાજેશ દેવીના દીકરા વિશાલે જણાવ્યું કે 8 સપ્ટેમ્બરે મંદિરમાં પૂજા કર્યા બાદ માતા-પિતા ખૂબ ખુશ હતા અને વીડિયો કોલ દ્વારા પરિવાર સાથે ક્ષણો વહેંચ્યા હતા.
પરંતુ આગની ઘટનામાં માતાને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. વિશાલે આક્ષેપ કર્યો કે સેનાના જવાનો રાજેશ દેવીને હોસ્પિટલ લઈ ગયા ત્યારે પિતાને તેમની સાથે જવા દેવામાં આવ્યા ન હતા.
લાંબી શોધખોળ બાદ જ્યારે રામવીર સિંહ હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે ખબર પડી કે પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું.