Ganesh Chaturthi tragedy: ગણેશ ઉત્સવમાં છવાયો અંધકાર: એક બાળકી સહિત ચારનાં મોત, અનેક ઘાયલ

અંકલેશ્વરના ગડખોલ ગામની હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં DJનો ટેમ્પો આગળ ચાલતો હતો અને પાછળ બાળકો નૃત્ય કરી રહ્યા હતા. અચાનક ટેમ્પો રિવર્સ થતા પાંચ વર્ષની નવ્યા પ્રવિણસિંહ સહિત કેટલાક બાળકોને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓના કારણે નવ્યાનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું હતું,
જ્યારે દિયાન, જનક અને કૃષ્ણા સહિતના બાળકોને ઈજા થતાં તરત જ હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી વિગતો અનુસાર ટેમ્પાના માલિક રાકેશે વાહન ચિરાગ વ્યાસને ચલાવવા આપ્યું હતું. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ચિરાગ વ્યાસે આ અકસ્માત સર્જ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
આખલાએ 8 થી 10 લોકોને ઇજા પહોંચાડી હતી
બીજી બાજુ અંકલેશ્વરની GIDCમાં સ્થિત COP 7 ગ્રુપની શ્રીજીની આગમન યાત્રા દરમિયાન અનિચ્છનીય ઘટના બની હતી. DJના ઉંચા અવાજથી ભયભીત એક આખલો યાત્રામાં ઘૂસી આવ્યો હતો. આક્રોશિત આખલાએ 8 થી 10 લોકોને ઇજા પહોંચાડી હતી,
જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ યાત્રામાં ભાગદોડ મચી હતી અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ બંને અકસ્માતો સાથે ગણેશોત્સવની શરૂઆત જ શોકમય બની ગઈ છે.
નવસારીમાં કરંટ લાગતા બેના મોત
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં સોમવારે (25મી ઓગસ્ટે) ગણેશ મૂર્તિ લાવતી વખતે ગંભીર અકસ્માત બન્યો હતો. મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવામાં આવતા 7 લોકો કરંટના ઝપેટમાં આવ્યા હતા.
જેમાંથી બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વિશેષ નોંધનીય છે કે નવસારી જિલ્લામાં સોમવારે જ પાંચ વર્ષીય બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત થયું હતું, જ્યારે એક કિશોરનું DJ પરથી પડી જવાથી અવસાન થયું હતું. એક જ દિવસે બનેલી ત્રણ જુદી જુદી દુર્ઘટનાઓમાં કુલ ચાર લોકોનાં મૃત્યુ થતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.