Accident : અંબાજી જઈ રહેલા 2 પદયાત્રીઓને કાળ ભરખી ગયો!

અરવલ્લી જિલ્લાના લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અંબાજી જઈ રહેલા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માત માલપુર પાસે આવેલા પ્લાઝા નજીક બન્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
મળેલી માહિતી મુજબ, દાહોદના વતની કેટલાક પદયાત્રીઓ અંબાજી દર્શને જઈ રહ્યા હતા. ત્યારે લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા,
જેમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક માલપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
યાત્રાળુઓ માટે 10 કરોડના વીમાનું સુરક્ષા કવચ
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂપિયા 10 કરોડનો વીમો લીધો છે. જે ગત વર્ષના વીમા કવરેજ કરતાં ત્રણ ગણો વધુ છે. આ વીમા અંતર્ગત કોઈ પણ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળી રહેશે.