Asia Cup 2025 Final : એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાને પછાડી ભારત ચેમ્પિયન બન્યું

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ રવિવારે એશિયાકપની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાની ટીમ પહેલા બેટિંગ કરતા 19.1 ઓવરમાં 146 રનમાં સમેટાઈ ગઈ હતી. 147 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 19.4 ઓવરમાં પાર પાડ્યો હતો. રિંકુએ ફોર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. આમ કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવી ભારત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે.
તિલકે મેચ વિનિંગ ફિફ્ટી ફટકારી
તિલક વર્માએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તિલકે 53 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. આમ મેચવિનિંગ ફિફ્ટી ફટકારી હતી. જ્યારે શિવમ દુબેએ 33 રન બનાવ્યા હતા.
ફરહાન અને ફખર ઝમાને પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત શાનદાર રહી હતી. સાહિબઝાદા ફરહાન અને ફખર ઝમાને પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. વરૂણ ચક્રવર્તીએ ફરહાને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જોકે, બાદમાં એક પછી એક વિકેટ ગુમાવતા પાકિસ્તાનની આખી ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાનની ટીમ સ્પીનની જાળમાં ફસાઈ
ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે થઈ ગયા હતા. પાકિસ્તાનના 3 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. પાકિસ્તાનના 7 ખેલાડીઓ બે અંક પાર કરી શક્યા ન હતા. 12મી ઓવર બાદ એક બાદ એક પાકિસ્તાની ખેલાડીઓ આઉટ થયા ગયા હતા. કુલદીપ યાદવે 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહે પણ 2-2 વિકેટ ઝડપી હતી.
ભારત સામે ફરહાને સતત બીજી ફિફ્ટી ફટકારી
પાકિસ્તાનના ઓપનર સાહિબઝાદા ફરહાને નવમી ઓવરમાં ફિફ્ટી પૂરી કરી હતી. કુલદીપ યાદવની ઓવરના બીજા બોલ પર બે રન લઈને તેણે પોતાની ફિફ્ટી પૂરી કરી. ભારત સામે આ તેની સતત બીજી ફિફ્ટી ફટકારી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ ઈલેવન
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાન: સલમાન અલી આગા (કેપ્ટન), સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, હુસૈન તલત, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, ફહીમ અશરફ અને હારિસ રઉફ.