AIR India Thiruvananthpuram: ‘રનવે પર પહેલાથી વિમાન હતું, છતાં ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી આપવામાં આવી’

તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી હતી. જોકે, વિમાન ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં પાંચ સાંસદ કેસી વેણુગોપાલ, કોડિક્કુનીલ સુરેશ, અડૂર પ્રકાશ, કે રાધા કૃષ્ણન અને રોબર્ટ બ્રુસ સવાર હતા. તે બધાને દિલ્હી જવાનું હતું.
કોંગ્રેસ સાંસદે પોસ્ટ કરી આપી માહિતી
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિમાનમાં ખામી અને તેના ડાયવર્ઝન અંગે માહિતી શેર કરી. તેમણે કહ્યું કે ફ્લાઇટ મોડી શરૂ થઈ. ફ્લાઇટના થોડા સમય પછી, અમને ભારે ટર્બૂલેન્સનો સામનો કરવો પડ્યો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે લગભગ એક કલાક પછી, કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નાઈ તરફ વાળવામાં આવ્યું. વિમાનમાં 100 મુસાફરો સવાર હતા.
બે કલાક સુધી હવામાં ફરતું રહ્યું વિમાન
કોંગ્રેસના સાંસદ વેણુગોપાલના જણાવ્યા અનુસાર, વિમાન ચેન્નાઈ એરપોર્ટ ઉપર લગભગ 2 કલાક સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું અને ક્લિયરન્સની રાહ જોતું રહ્યું. કોંગ્રેસના સાંસદે દાવો કર્યો હતો કે પ્રથમ લેન્ડિંગ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની હતી. અહેવાલ મુજબ, લેન્ડિંગ પહેલાં રનવે પર બીજું વિમાન હાજર હતું. આ પછી, કેપ્ટને ઝડપી નિર્ણય લીધો અને વિમાનને ફરીથી ઉપર ખેંચી લીધું. આનાથી મોટો અકસ્માત ટળી ગયો. જોકે, બીજા પ્રયાસ દરમિયાન, ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ.