દેશની દિગ્ગજ આઈટી કંપની TCSએ નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ ટાટા કંપનીએ Q3FY25માં જબરદસ્ત નફો કર્યો છે. ગુરુવારે બજાર બંધ થયા પછી પરિણામોની સાથે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ રોકાણકારો માટે ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
ગયા ક્વાર્ટરમાં કંપનીએ 11,909 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો
ટાટા કંપનીએ માહિતી આપી છે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 12,380 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગયા ક્વાર્ટરમાં કંપનીએ 11,909 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીના નફામાં 3.9 ટકાનો વધારો છે. વાર્ષિક ધોરણે કંપનીના નફામાં 12 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 11,058 કરોડનો નફો કર્યો હતો.
કંપનીની આવકમાં થયો ઘટાડો
ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવક ઘટીને રૂપિયા 63,973 કરોડ થઈ ગઈ છે, જે સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂપિા 64,259 કરોડ હતી. કંપનીએ જણાવ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA ત્રિમાસિક ધોરણે રૂપિયા 15,465 કરોડથી વધીને રૂપિયા 15,657 કરોડ થયો છે. તે જ સમયે, કંપનીનું EBITDA માર્જિન વધીને 24.5 ટકા થયું, જે પાછલા ક્વાર્ટરમાં 24.1 ટકા કરતાં વધુ છે.
TCSએ ડિવિડન્ડની પણ કરી જાહેરાત
TCSએ ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટર માટે ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ પ્રતિ શેર રૂપિયા 10 અને પ્રતિ શેર 66 રૂપિયાના ખાસ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તે પ્રતિ ઈક્વિટી શેર રૂપિયા 10ના દરે ત્રીજા વચગાળાનું ડિવિડન્ડ અને પ્રતિ શેર રૂપિયા 66ના ખાસ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ત્રીજા વચગાળાનું ડિવિડન્ડ અને ખાસ ડિવિડન્ડ સોમવાર, 3 ફેબ્રુઆરી, 2025ના રોજ કંપનીના તે ઈક્વિટી શેરધારકોને ચૂકવવામાં આવશે જેમના નામ કંપનીના સભ્યોના રજિસ્ટરમાં 17 જાન્યુઆરી 2025 સુધીમાં નોંધાયેલા છે.
કેવું રહ્યું છે TCSના શેરનું પ્રદર્શન?
આજે 9 જાન્યુઆરી 2025 ગુરુવારની વાત કરીએ તો TCSનો શેર 1.57% ઘટીને રૂપિયા 4,044 પર આવી ગયા છે. છેલ્લા એક મહિનામાં TCSના શેર લગભગ 10 ટકા ઘટ્યા છે. જ્યારે એક વર્ષમાં આ શેરે માત્ર 9.60% વળતર આપ્યું છે.
Source link