એડિલેડ ટેસ્ટમાં ભારતની 10 વિકેટથી કારમી હાર બાદ, કેપ્ટન રોહિત શર્માએ પોતાની ભૂલો સ્વીકારી લીધી અને સ્વીકાર્યું કે ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા કરતા સારું ક્રિકેટ રમ્યું. તમને જણાવી દઈએ કે પિંક બોલ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ભારતીય બેટિંગે સૌથી વધુ નિરાશ કર્યા હતા. આખી મેચમાં એક પણ બેટ્સમેન એવો નહોતો જે ટીમ ઈન્ડિયા માટે 50 રનનો આંકડો સ્પર્શી શકે. રોહિતનું વ્યક્તિગત પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું કારણ કે તે એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.
રોહિત શર્માએ જણાવ્યું હારનું કારણ
મેચ બાદ રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની હાર સ્વીકારી હતી અને કહ્યું હતું કે, “સીધી વાત એ છે કે અમે સારૂ રમી શક્યા ન હતા અને ઓસ્ટ્રેલિયાએ દરેક ક્ષેત્રમાં અમારા કરતા સારૂ કર્યું હતું. મેચમાં આવી તકો આવી જેનો અમારે ફાયદો ઉઠાવવો જોઈતો હતો. એવું થયું નથી.” અમે પર્થમાં જે કર્યું તે ખાસ હતું અને અમે એ જ હેતુ સાથે એડિલેડ આવ્યા હતા પરંતુ અમે જાણતા હતા કે પિંક બોલની ટેસ્ટ અમારા માટે પડકારરૂપ બનવાની છે.”
રોહિત શર્મા રહ્યો ફ્લોપ
રોહિત શર્મા અંગત કારણોસર પર્થ ટેસ્ટમાં રમી શક્યો નહોતો, પરંતુ તેણે સિરીઝની બીજી મેચમાં પુનરાગમન કર્યું હતું. તેણે બધાને ચોંકાવી દીધા અને પર્થ ટેસ્ટમાં 26 અને 77 રનની ઇનિંગ્સ રમનાર કેએલ રાહુલને ઓપનિંગ સ્લોટ સોંપી દીધો. રાહુલે ઓપનિંગ કર્યું, તેથી રોહિત શર્મા છઠ્ઠા નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો. ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠા સ્થાન પર રહેલા રોહિતના બેટિંગના આંકડા ઘણા સારા છે. તેણે અત્યાર સુધીમાં છઠ્ઠા સ્થાને રમાયેલી 27 ઇનિંગ્સમાં 49.8ની શાનદાર એવરેજથી 1,046 રન બનાવ્યા છે. પરંતુ એડિલેડ ટેસ્ટમાં તે માત્ર 3 અને 6 રનની જ ઇનિંગ રમી શક્યો હતો.
ગાબામાં રમાશે ત્રીજી ટેસ્ટ
હવે ભારતને ગાબા મેદાનમાં પડકારનો સામનો કરવો પડશે. સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે, જ્યાં અત્યાર સુધી વિશ્વની માત્ર 4 ટીમો જ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચમાં હરાવી શકી છે. આ એ જ મેદાન છે જ્યાં વર્ષ 2021માં ઋષભ પંતે 89 રનની ઇનિંગ રમીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.