- મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં સિનરે ઝેવરેવને તથા ટિયાફોઇએ હોલ્ગર રુનેને પરાજય આપ્યો
- સબાલેન્કો એક સપ્તાહ પહેલાં જ વિમેન્સ સિંગલ્સ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે
- ફાઇનલમાં તેનો મુકાબલો અમેરિકાની છઠ્ઠી ક્રમાંકિત જેસિકા પેગુલા સામે થશે
બેલારુસની અનુભવી ખેલાડી આર્યના સબાલેન્કોએ નવ મેચ પોઇન્ટ ગુમાવ્યા હોવા છતાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત પોલેન્ડની ઇગા સ્વિયાતેકને 6-3, 6-3થી હરાવીને ડબ્લ્યૂટીએ સિનસિનાટી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ચાર વખત સિનસિનાટીમાં સેમિફાઇનાલિસ્ટ સબાલેન્કો યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની શરૂઆત થાય તેના એક સપ્તાહ પહેલાં જ વિમેન્સ સિંગલ્સ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે. ફાઇનલમાં તેનો મુકાબલો અમેરિકાની છઠ્ઠી ક્રમાંકિત જેસિકા પેગુલા સામે થશે જેણે બીજી સેમિફાઇનલમાં સ્પેનની પાઉલા બડોસાને 6-2, 3-6, 6-3થી હરાવી હતી. ગયા સપ્તાહે ટોરેન્ટો ઓપનનું ટાઇટલ જીતનાર પેગુલા ઓપન એરામાં એક જ વર્ષમાં કેનેડા અને સિનસિનાટી ઓપનની ફાઇનલમાં પહોંચનાર ત્રીજી અમેરિકન ખેલાડી બની છે. આ પહેલાં રોઝી કેસલ્સ (1970) તથા સેરેના વિલિયમ્સ (2013) આ સિદ્ધિ મેળવી ચૂકી છે. સબાલેન્કોએ લગભગ બે કલાક સુધી રમાયેલી રોમાંચક મેચમાં આખરે પોતાના 10મા મેચ પોઇન્ટ ઉપર રિટર્ન વિનર તરીકે શોટ ફટકારીને સ્વિયાતેકના અભિયાન ઉપર પૂર્ણવિરામ મૂકીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. મેચ જીત્યા બાદ તેણે જણાવ્યું હતું કે ચાર વખત હું અંતિમ-4થી આગળ વધી શકી નહોતી પરંતુ આખરે મેં અંતરાયને પાર કરી લીધો છે.
મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં સિનરે ઝેવરેવને તથા ટિયાફોઇએ હોલ્ગર રુનેને પરાજય આપ્યો
મેન્સ સિંગલ્સમાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ઇટાલીના જાનિક સિનિરે ભારે સંઘર્ષ કર્યા બાદ જર્મનીના એલેકઝાન્ડર ઝેવરેવને 7-6 (9), 5-7,7-6(4)થી હરાવીને સિનસિનાટી એટીપી ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેણે સેમિફાઇનલ જીતવા માટે લગભગ ત્રણ કલાક 11 મિનિટનો સમય લીધો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સિસ ટિયાફોઇ સામે થશે જેણે બીજી સેમિફાઇનલમાં હોલ્ગર રુનેને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ 4-6, 6-1, 7-6 (4)થી હરાવ્યો હતો. સિનર સિનસિનાટી ઓપનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી છે. મેન્સ સિંગલ્સમાં અન્ય ખેલાડીઓ કરતાં સિનરે ચાલુ વર્ષે સર્વાધિક ચાર ટાઇટલ જીત્યા છે. તેને જમણા થાપામાં સ્નાયુ ખેંચાઈ જવાની ઈજા થઈ હોવા છતાં ટાઇટલ જીતીને ચાલુ મહિનાના અંતે રમાનારા વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન માટે પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી હતી. ટિયાફોઈ પણ 2013 બાદ સિનસિનાટી ઓપનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ અમેરિકન ખેલાડી બન્યો છે. છેલ્લે જોન ઇસનર ફાઇનલ રમ્યો હતો.
Source link