શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર ટીસીપી પલહાલનમાં એક શંકાસ્પદ બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતા જ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે બેગમાં ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) મૂકેલો હતો.
ડિફ્યુઝ કર્યો IED
ન્યૂઝ એજન્સી, ANI અનુસાર, સોમવારે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર TCP પલહાલન ખાતે એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. સુરક્ષા દળોને માહિતી મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને બેગની તપાસ કરતા તેમાંથી IED મળી આવ્યો હતો. આમ સેનાના જવાનોએ આઇઇડી કબ્જે કરીને આતંકીઓની નાપાક હરકતને ધ્વસ્ત કરી દીધી હતી. જવાનોએ આઇઇડીને ડિફ્યુસ કરીને મોટો બનાવ થતા અટકાવી દીધો હતો.
રવિવારે બે પોલીસ કર્મી ઝઘડ્યા
મહત્વનું છે કે અગાઉ ઉધમપુરમાં ઝઘડા બાદ એક પોલીસકર્મીએ તેના એકે 47 વડે તેના સાથીદારને ગોળી મારી દીધી હતી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના રવિવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ બની હતી.
કાશ્મીરના સોપોરથી ત્રણ પોલીસ કર્મચારીઓ સરકારી વાહનમાં રિયાસીના તલવારા ટ્રેનિંગ સેન્ટર માટે રવાના થયા હતા. રેમ્બલ વિસ્તારમાં આવેલા કાલી માતાના મંદિર પાસે વાહનમાં કોઈ મુદ્દે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. માહિતી મળતાની સાથે જ રેમ્બલે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નિષાદ સાંબુરિયા ટીમ સાથે પહોંચ્યા. તેઓ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જીએમસી ઉધમપુર લઈ ગયા.
મૃતક પોલીસ કર્મચારીઓની ઓળખ ડ્રાઈવર કોન્સ્ટેબલ મનજીત સિંહ અને હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ શુજા મલિક તરીકે થઈ છે. ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પોલીસને સોંપી દીધા હતા. એસએસપી ઉધમપુર અમોદ નાગપુરેએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના પહેલા વાહનમાં મુસાફરી કરી રહેલા બે પોલીસ કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. વાહનમાં સવાર ત્રીજો પોલીસ કર્મચારી સુરક્ષિત છે. તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.