Textile Sector : કેન્દ્રએ કાપડ ઉદ્યોગને આપી રાહત, PLI યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવી

ભારત સરકારે કાપડ ઉદ્યોગ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ નવી અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે (ટેક્ષટાઇલ PLI એક્સ્ટેંશન). કાપડ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, અરજી પોર્ટલ હવે 31 ડિસેમ્બર, 2025 સુધી ખુલ્લું રહેશે. આનાથી સંભવિત રોકાણકારોને ભાગ લેવાની અને યોજનાનો લાભ લેવાની બીજી તક મળશે.
સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય
ઓગસ્ટ 2025માં શરૂ થયેલા નવા ઈન્વિટેશન રાઉન્ડ (નવા અરજદારો) માં મેન મેડ ફાઇબર (MMF), MMF ફેબ્રીક અને ટેકનિકલ ટેક્સટાઇલ સહિત વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થયા બાદ આ સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રસ ધરાવતા અરજદારો સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા તેમના પ્રસ્તાવો સબમિટ કરી શકે છે.
સ્થાનિક કાપડ ઉત્પાદનમાં વિશ્વાસમાં વધારો
મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે અરજી વિન્ડો ફરીથી ખોલવી એ PLI યોજના હેઠળ રોકાણ કરવામાં ઉદ્યોગના સતત રસનું સીધું પરિણામ છે. આ વધતી જતી બજાર માંગ અને સ્થાનિક કાપડ ઉત્પાદનમાં વિશ્વાસ દર્શાવે છે.
ટેક્સટાઇલ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન
કાપડ માટે PLI યોજના સપ્ટેમ્બર 2021 માં ₹10,683 કરોડના લક્ષ્યાંક ખર્ચ સાથે મંજૂર કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દેશમાં MMF વસ્ત્રો, MMF ફેબ્રિક અને ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી આ ક્ષેત્રનો વિસ્તાર થાય અને સ્પર્ધાત્મક બને. નાણાકીય વર્ષ 2024-25 માં મેન મેડ ફાઇબર એક્સપોર્ટ આશરે ₹525 કરોડ હોવાનો અંદાજ હતો, જે નાણાકીય વર્ષ 2023-24 માં ₹499 કરોડ હતો. ટેકનિકલ ટેક્સટાઇલ એક્સપોર્ટ ₹200 કરોડથી વધીને ₹294 કરોડ થઈ ગઈ છે.
રોકાણ ₹1.76 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે
કેન્દ્ર સરકારે 14 ક્ષેત્રો માટે PLI યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાએ આયાત પર નિર્ભરતા ઘટાડી છે અને ભારતને વૈશ્વિક ઉત્પાદનમાં એક ગંભીર સ્પર્ધક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રોકાણ આશરે ₹1.76 લાખ કરોડ થયું છે. આ યોજનાઓએ ઉત્પાદન, એક્સપોર્ટ અને રોજગાર સર્જનમાં નોંધપાત્ર વધારો કર્યો છે.