મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ સચિવઓનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે આ દરમિયાન બંને રાજ્યના મોટા અધિકારીઓ સાથે અનેક બેઠકો પણ યોજવામાં આવી છે.
બંને રાજ્યના અધિકારીઓએ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તથા રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે મધ્યપ્રદેશના આ પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુજરાતની સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડલની ઉંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.
ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગુજરાતના આ સર્વસમાવેશી વિકાસના મોડલની પ્રશંસા કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં જનહિતકારી સુશાસનથી પ્રજાકલ્યાણ યોજનાઓ અને કાર્યોમાં ઈનોવેશન તથા ટેક્નોલોજીના સમુચિત ઉપયોગથી દેશનું રોલ મોડલ બન્યું છે.
ગુજરાતના સર્વગ્રાહી વિકાસનો મજબુત પાયો નરેન્દ્ર મોદીએ નાખ્યો
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરવામાં આવેલા વિવિધ પ્રેઝન્ટેશન દ્વારા ગુજરાતે મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજીસ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા સક્ષમતા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આત્મનિર્ભરતા, ફાર્માસ્યુટીકલ, બલ્ક ડ્રગ, એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં ગુજરાતની પહેલ રૂપ સિદ્ધિઓ તથા શહેરી વિકાસ યોજનાઓમાં પારદર્શીતા સાથે અદ્યતન સુવિધા સભર ટાઉન પ્લાનીંગ, વિવિધ વિકાસ યોજનાઓનું સેચ્યુરેશન એપ્રોચથી અમલીકરણ તેમજ ઈમર્જીંગ સેક્ટર એવા સેમીકન્ડક્ટર ઉદ્યોગો માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ અને માર્ગ વાહન વ્યવહાર જેવા ક્ષેત્રોમાં ગુજરાતના ઈનીશ્યેટીવ્ઝની વિસ્તૃત જાણકારી મેળવીને સુચારુ અમલીકરણની પ્રશંસા કરી હતી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ગુજરાતના આ વિકાસ મોડલ સંદર્ભે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વગ્રાહી વિકાસનો જે મજબુત પાયો નાખ્યો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત મક્કમતાપુર્વક નવી ઊંચાઈએ પહોંચાડવા જે પ્રતિબદ્ધતાથી કાર્યરત છે તે પ્રશંસનીય છે.
CM ડેશબોર્ડની મેળવી જાણકારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત મળી રહેલા માર્ગદર્શનથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ બન્યું છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા પ્રતિબદ્ધ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને તેમની સાથેના વરિષ્ઠ સચિવોએ આ બેઠક અગાઉ સી.એમ. ડેશબોર્ડની બહુવિધ ગતિવિધિઓ નિહાળીને રીયલ ટાઈમ મોનીટરીંગ તથા જનસંવાદ કેન્દ્ર દ્વારા ફિડબેક મિકેનીઝમની પણ જાણકારી મેળવી હતી.
ગુજરાતના પ્રતિનિધ મંડળને મધ્યપ્રદેશની મુલાકાત માટે આમંત્રણ આપ્યું
ડૉ. મોહન યાદવે ગુજરાતની આ પહેલોને મધ્યપ્રદેશમાં કઈ રીતે લાગુ કરી શકાય તે અંગેની જાણકારી મેળવવામાં પણ રસ દાખવ્યો હતો અને ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને આ હેતુસર મધ્યપ્રદેશની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકના સમાપને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને સ્મૃતિ ચિહ્ન ભેટમાં આપ્યું હતુ.
Source link