પાકિસ્તાન ક્રિકેટમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કોચ જેસન ગિલેસ્પીએ ટીમમાં સામેલ થવાની ના પાડી દીધી છે. પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાનું હતું. તાજેતરના મીડિયા રિપોર્ટ મુજબ આ માહિતી આપવામાં આવી છે.
પૂર્વ ફાસ્ટ બોલર ગિલેસ્પી PCBના નિર્ણયોથી નારાજ
મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પી PCBના તાજેતરના કેટલાક નિર્ણયોથી નારાજ છે. તે ગુરુવારે દુબઈ થઈને ટેસ્ટ ટીમ સાથે દક્ષિણ આફ્રિકા જવાનો હતો, પરંતુ તેને હજુ સુધી તેની ઉપલબ્ધતા અંગે કોઈ માહિતી આપી નથી. એવું માનવામાં આવે છે કે તેમને રાજીનામું મોકલી દીધું છે. પરંતુ પીસીબીએ હજુ સુધી તેમના વિશે કોઈ નિવેદન આપ્યું નથી.
પીસીબીએ આ વર્ષની શરૂઆતમાં જેસન ગિલેસ્પી સાથે બે વર્ષનો કરાર કર્યો હતો. તેમના કોચિંગ હેઠળની પાકિસ્તાની ટીમનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. તેમના કોચિંગ હેઠળ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ જીતી હતી. આ સિરીઝની પ્રથમ મેચમાં પણ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.
ટિમ નીલસનનો કોન્ટ્રાક્ટ નથી થયો રિન્યુ
મીડિયા રિપોર્ટ મુજબ PCBએ ટિમ નીલસનનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો નથી અને તેને હટાવી દીધો છે. બોર્ડે તેમને આ વર્ષે ઓગસ્ટમાં સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યાં તે ટેસ્ટ ટીમમાં જેસન ગિલેસ્પી સાથે નજીકથી કામ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે તેનો કરાર સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે પીસીબી તેનો કરાર રિન્યૂ કરશે.
આકિબ જાવેદ બની શકે છે કોચ
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદ પણ હવે ટેસ્ટ ટીમના કોચ બની શકે છે. હાલમાં તે મર્યાદિત ઓવરોની ટીમનો કોચ પણ છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફી સુધી આ જવાબદારી સોંપવામાં આવી છે. પાકિસ્તાનને દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ ટેસ્ટ સિરીઝ ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો એક ભાગ છે.