The Taj Storyના પોસ્ટરને લઈને વિવાદ, ડાયરેક્ટરે કહ્યું, ‘તેમાં કંઈ કાલ્પનિક કે બનાવટી નથી’

બોલિવૂડ અભિનેતા પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ હાલમાં ચર્ચામાં છે. આ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે. જોકે, રિલીઝ પહેલા જ એક પોસ્ટે આ ફિલ્મને લેઇને વિવાદ ઉભો કર્યો હતો,
જેના પર ફિલ્મના દિગ્દર્શક અને લેખક તુષાર અમરીશ ગોયલે હવે સ્પષ્ટતા કરી છે. પરેશ રાવલની ફિલ્મ “ધ તાજ સ્ટોરી” પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને ઇતિહાસને વિકૃત કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
જોકે, પહેલા પરેશ રાવલ અને હવે ફિલ્મના દિગ્દર્શક અને લેખક, તુષાર અમરીશ ગોયલે આ મામલે સ્પષ્ટતા જારી કરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી. તુષારે એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તે વિવાદનો પોતાનો પક્ષ રજૂ કરે છે.
દિગ્દર્શકે શું કહ્યું?
વીડિયોમાં તુષાર કહે છે કે, “ગઈકાલે રિલીઝ થયેલા પોસ્ટરે ઘણો વિવાદ ઉભો કર્યો છે. પોસ્ટરે આપણા કેટલાક મુસ્લિમ ભાઈઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તેમણે પોસ્ટરને લઈને વિવાદ ઉભો કર્યો છે. હું કહેવા માંગુ છું કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અમારો ઈરાદો બિલકુલ નથી.”
પોસ્ટર પર વિવાદ
ગઈકાલે પરેશ રાવલે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. આમાં પરેશ રાવલ તાજમહેલના ગુંબજને ઊંચકતા જોવા મળે છે અને જ્યારે તે ગુંબજ ઊંચકે છે ત્યારે તેમાંથી ભગવાન શિવની પ્રતિમા નીકળતી જોવા મળે છે. પરેશે તેને કેપ્શન આપ્યું હતું,
“જો તમને જે શીખવવામાં આવ્યું છે તે બધું જ જૂઠું નીકળે તો શું થશે? સત્ય માત્ર છુપાયેલું નથી, પણ તેનો ન્યાય પણ કરવામાં આવે છે.” પોસ્ટર રિલીઝ થતાં જ વિવાદ ઉભો થયો.
ફિલ્મ મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવી
તુષાર વધુમાં ભાર મૂકે છે કે તેમની ફિલ્મ મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવી હતી. તે કહે છે, “આ ફિલ્મ, ‘ધ તાજ સ્ટોરી’ સંપૂર્ણપણે મનોરંજન પર આધારિત છે અને ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવી છે.
જેમ તમે જોલી એલએલબીમાં ચર્ચા જોઈ હશે, તેમ તાજ સ્ટોરી પણ આવી જ ચર્ચા દર્શાવે છે. તાજમહેલ પર ચર્ચા, તાજમહેલના ઇતિહાસ પર ચર્ચા.”