વિવિધ માલસામાનની આયાતનો વૃદ્ધિદર ઘટીને 1.6 ટકા થતાં અને નિકાસના દરમાં 0.5 ટકાનો વધારો થતાં ભારતની વેપારી ખાધ સપ્ટેમ્બરમાં ઘટીને 20. 78 અબજ ડોલર થઇ છે.
જે પાંચ મહિનાની સૌથી નીચી સપાટી છે. વૈશ્વિક માંગમાં ઘટાડો થયો છે અને જિયો પોલિટિકલ પડકારો વધ્યા છે તેમ છતાં ભારતની વેપારી ખાધ ઘટી છે એ એક સારો સંકેત છે.
ઓગસ્ટ મહિનામાં દેશની વેપારી ખાધ વધીને 29.7 અબજ ડોલર થઇ હતી જે 10 મહિનાની સૌથી ઊંચી સપાટી હતી. સપ્ટેમ્બર મહિનામાં નિકાસનો આંકડો 34.58 અબજ ડોલર નોંધાયો હતો, જ્યારે આયાતનો આંકડો 55.36 અબજ ડોલર રહ્યો હતો. આજે કેન્દ્રના વાણિજ્ય વિભાગે આ આંકડા જાહેર કર્યા ત્યારે વાણિજ્ય સચિવ સુનિલ બાર્થવાલે જણાવ્યું હતું કે વૈશ્વિક વેપારના મોરચે અનેક પડકારો હતા તેમ છતાં સપ્ટેમ્બરમાં જ નહીં 2023-24ના પ્રથમ છ મહિનામાં ભારતની નિકાસનો આંકડો સારો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને 2025ના વર્ષ માટે વૈશ્વિક વેપારમાં વૃદ્ધિનો અંદાજ અગાઉના 3.3 ટકાના સ્તરેથી ઘટાડીને 3 ટકા કર્યો હતો. જોકે વર્ષ 2024 માટે આ સંસ્થાએ વૈશ્વિક વેપાર માટેનો તેનો અંદાજ અગાઉના 2.6 ટકાના સ્તરથી નજીવો વધારીને 2.7 ટકા કર્યો હતો. જોકે આ સંસ્થાએ એવી નોંધ પણ કરી હતી કે હાલમાં જે જિયો પોલિટિકલ ટેન્શન ઊભા થયા છે અને સાથે સાથે પ્રાદેશિક સંઘર્ષ પણ વધ્યો છે એવા સંજોગોમાં નીતિવિષયક અનિશ્ચીતતાને કારણે વૈશ્વિક વેપારમાં ઘટાડો થઇ શકે છે.
Source link