ચેસ ઓલિમ્પિયાડમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમોને આપવામાં આવતો ‘નોના ગેપ્રિન્દાશવિલી કપ’ ભારતમાંથી ગાયબ થઈ ગયો છે. અહેવાલ અનુસાર, ‘નોના ગેપ્રિન્દાશવિલી કપ’ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) દ્વારા ખોવાઈ ગયો છે, જે ખૂબ જ શરમજનક બાબત માનવામાં આવે છે. ખુદ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. વર્ષ 2022માં ચેન્નાઈમાં આયોજિત છેલ્લી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમે ટ્રોફી જીતી હતી. ત્યારથી આ ટ્રોફી ભારત પાસે હતી.
AICF અધિકારીઓએ આપી જાણકારી
એક અહેવાલ મુજબ, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના ત્રણ અધિકારીઓએ જણાવ્યું કે આ ઈવેન્ટ બે વર્ષમાં એક વખત યોજાય છે અને ભારતીય ટીમે 2022માં ચેન્નાઈમાં આયોજિત છેલ્લી ચેસ ઓલિમ્પિયાડમાં ટ્રોફી જીતી હતી. ચેસની વિશ્વ સંચાલક મંડળે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનને ઈમેલ મોકલીને ભારતને ટ્રોફી પરત કરવા વિનંતી કરી હતી. કારણ કે આ કપ રાઉન્ડ 11ના અંત પછી બુડાપેસ્ટમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિયાડના વિજેતાઓને આપવામાં આવનાર છે.
ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી દેવ એ પટેલે જણાવ્યું હતું કે, “હાલમાં અમને ગેપ્રિન્દાશવિલી કપ વિશે ખબર નથી. અમે તેને શોધવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે તે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. અમને આશા છે કે અમારી શોધ સફળ થશે.
છેલ્લે ચેન્નાઈમાં હતો કપ
નવી દિલ્હી અને ચેન્નાઈમાં ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) કાર્યાલયો અને ચેન્નાઈની હોટેલ જ્યાં છેલ્લે કપ જોવા મળ્યો હતો ત્યાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉના AICF પદાધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ખેલાડીઓને પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેઓએ ટ્રોફી લીધી છે.