લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન બંધારણની 75મી વર્ષગાંઠના અવસર પર બંધારણને લઈને સંસદમાં તેની ચર્ચા થશે. આ ચર્ચા 13 અને 14 ડિસેમ્બરે લોકસભામાં થશે. સંસદના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે લોકસભામાં બંધારણ પર બે દિવસીય ચર્ચાનો જવાબ આપશે.
અમિત શાહ સોમવારે રાજ્યસભામાં ચર્ચા શરૂ કરે તેવી અપેક્ષા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંસદના શિયાળુ સત્ર માટે વિપક્ષી ગઠબંધનની મુખ્ય માગણીઓમાંની એક બંધારણ પર ચર્ચા પર શરૂ કરે તેવી શક્યતા છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ સોમવારે રાજ્યસભામાં ચર્ચા શરૂ કરે તેવી અપેક્ષા છે અને વડાપ્રધાન મોદી મંગળવારે તેની પર જવાબ આપશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લોકસભાના સ્પીકરે સંસદમાં મડાગાંઠ ખતમ કરવા માટે તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બંધારણ પરની ચર્ચાને લઈને તમામ રાજકીય પક્ષો વચ્ચે સર્વસંમતિ સધાઈ હતી. વિપક્ષો સાથે થયેલી સમજૂતી મુજબ, ભાજપની આગેવાની હેઠળની NDA સરકાર 13-14 ડિસેમ્બરે લોકસભામાં અને 16-17 ડિસેમ્બરે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરવા સંમત થઈ હતી.
સર્વપક્ષીય બેઠકમાં બંધારણ પર ચર્ચા કરવા માટે મળી સર્વસંમતિ
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં સંસદમાં મડાગાંઠનો અંત લાવવા રાજકીય પક્ષોના નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. તે બેઠક દરમિયાન લોકસભાના અધ્યક્ષે બંધારણ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમામ રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી હતી. આ સર્વસંમતિના આધારે હવે લોકસભા અને રાજ્યસભામાં બંધારણ પર ચર્ચાની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી લોકસભા અને રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપશે.
મોદી સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો
તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થયું હતું. ત્યારબાદ દેશનું પોતાનું બંધારણ બનાવવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને ભારતીય બંધારણ સભાએ ઔપચારિક રીતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કર્યો હતો પણ તે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. ત્યારબાદ ભારત એક લોકશાહી અને સાર્વભૌમ ગણરાજ્ય તરીકે સ્થાપિત થયું. વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો, કારણ કે આ દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું હતું. આ વર્ષે દેશ બંધારણની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે. આ પ્રસંગે સંસદમાં બંધારણ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
Source link