જાણીતી ‘પોકેમોન’ સ્ટારનું બ્રેસ્ટ કેન્સરથી નિધન, હવે નહીં સાંભળવા મળે મિસ્ટી-જેસીનો અવાજ
- પ્રખ્યાત કાર્ટૂન પોકેમોનમાં હવે મિસ્ટી અને જેસીનો અવાજ સંભળાશે નહીં
- 46 વર્ષની ઉંમરે તેઓ આ રોગ સામેની લડાઈ હારી ગયા અને દુનિયાને અલવિદા કહ્યું
- તેમના નિધનની માહિતી મિત્ર વેરોનિકા ટેલરે સોશિયલ મીડિયા પર આપી હતી
પ્રખ્યાત કાર્ટૂન પોકેમોનમાં હવે મિસ્ટી અને જેસીનો અવાજ સંભળાશે નહીં. આ પાત્રોને અવાજ આપનાર અભિનેત્રી રશેલ લિલીસ હંમાશા માટે મૌન થઈ ગઈ છે. રશેલ લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી હતી. 46 વર્ષની ઉંમરે તેઓ આ રોગ સામેની લડાઈ હારી ગયા અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
તેમના નિધનની માહિતી મિત્ર વેરોનિકા ટેલરે સોશિયલ મીડિયા પર આપી હતી. આ દુઃખદ સમાચાર આવતા જ મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. લોકો રશેલ લિલિસને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પોકેમોન: ધ ફર્સ્ટ મૂવીમાં બ્રોક, એશ કેચમ, પીકાચુ અને મિસ્ટી જેવા પાત્રોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મિસ્ટી અને જેસીને રશેલ લિલીસ દ્વારા અવાજ આપવામાં આવ્યો હતો. હવે તેમના મૃત્યુ બાદ આ પાત્રોને કોણ અવાજ આપશે તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી.
મિત્રએ ઈમોશનલ પોસ્ટ શેર કરી
સોશિયલ મીડિયા પર માહિતી આપતા અભિનેત્રી રશેલ લિલિસની મિત્ર વેરોનિકા ટેલરે લખ્યું હતું કે, ‘આપણે બધા રશેલ લિલિસને તેણે ભજવેલા અદ્ભુત પાત્રો માટે જાણીએ છીએ. તેણીએ તેના સુંદર અવાજ, તેણીના અદ્ભુત કોમિક સમય અને તેણીની અદભૂત અભિનય કુશળતાથી અમારી શનિવારની સવાર અને કલાકો ભરી દીધી. એક તેજસ્વી પ્રકાશ પણ યાદ છે જે રશેલના અવાજમાંથી ચમકતો હતો જ્યારે તેણી બોલતી અથવા ગાતી હતી.
એનિમેટેડ ભૂમિકાઓ માટે યાદ રાખવામાં આવે છે
વેરોનિકા ટેલરે તેની ઘણી એનિમેટેડ ભૂમિકાઓ માટે રશેલ લિલીસને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેણે લખ્યું કે, ‘રશેલ કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતી વખતે મળેલા ઉદાર પ્રેમ અને સમર્થન માટે ખૂબ જ આભારી હતી. તેમની નકારાત્મક યાત્રા પ્રેમ અને સમર્થન દ્વારા સકારાત્મકમાં પરિવર્તિત થઈ છે. તેનો પરિવાર પણ તેના ચાહકોનો આભાર માનવા માંગે છે. હાલ તેઓ ખાનગીમાં શોક મનાવી રહ્યા છે.
ફેન્સે શ્રદ્ધાંજલિ આપી
તો બીજી તરફ, રશેલ લિલીસના નિધનના સમાચારથી તેના ફેન્સનું હૃદય તૂટી ગયું છે. સોશિયલ મીડિયા પર તેના મિત્રો અને ફેન્સ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન એક યુઝરે લખ્યું કે, ‘ગુડબાય અને બાળપણની યાદો માટે આભાર રશેલ લિલિસ.’ અમે દિલગીર છીએ. તમારા પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે.’ ઉલ્લેખનીય છે કે રશેલ લિલિસે તેની 20 વર્ષની કારકિર્દીમાં 120થી વધુ પાત્રો ભજવ્યા હતા. તેણે પોકેમોન, હન્ટર એક્સ હન્ટર, રિવોલ્યુશનરી ગર્લ યુટેના, બેર્સર્ક, સોનિક એક્સ અને સુપર સ્મેશ બ્રોસ જેવા શોમાં પોતાનો અવાજ આપ્યો છે.