- ગોયલે દેશમાં ઓનલાઇન શોપિંગના વધી રહેલાં ચલણ પર ચિંતા જાહેર કરી
- પીયૂષ ગોયલે ઈ-કોમર્સ સેક્ટરની કામકાજની પદ્ધતિ પર પણ ચિંતા વ્યક્ત કરી
- ઇ-કોમર્સ સુવિધાઓના કારણે લોકોની જીવનશૈલીમાં વધુ ગતિહીનતા આવી શકે છે: કેન્દ્રીય પ્રધાન
કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓની ઝડપી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને કોઇ ઉપલબ્ધિના નહીં પણ ચિંતાના વિષય તરીકે ઓળખાવ્યું હતું. આ સાથે તેમણે ઈ-કોમર્સ સેક્ટરની કામકાજની પદ્ધતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
વાણિજ્ય પ્રધાને જણાવ્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપીને રિટેલ વિક્રેતાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત ગોયલે ઈ-કોમર્સ કંપનીઓ પર આક્રમક મૂલ્ય નિર્ધારણ અને નાના રિટેલ વેપારીઓને સમાન તક નહીં આપવાનો આરોપ લગાવ્યો છે. નેટ ઇમ્પેક્ટ ઓફ ઈ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ઝયુમર વેલ્ફેર ઈન ઈન્ડિયા વિષય પરનો રિપોર્ટ બુધવારે લોન્ચ થયો હતો. આ કાર્યક્રમમાં પીયૂષ ગોયલ પણ હાજર રહ્યા હતાં. ટેક્નોલોજીના મહત્ત્વ અને કન્ઝયૂમર સર્વિસમાં તેની ભૂમિકાને લઈને ગોયલે તેના માટે વધારે સારા દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. ખાસ કરીને જ્યારે ઓનલાઇન શોપિંગની પારંપરિક રિટેલ ક્ષેત્રમાં વ્યાપક અસર જોવા મળી રહી છે.
આવું ચાલશે તો લોકો આળસું થઈ જશે
ગોયલે દેશમાં ઓનલાઇન શોપિંગના વધી રહેલાં ચલણ પર ચિંતા જાહેર કરી લોકોને ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો આવું ચાલતું રહેશે તો દેશના લોકો આળસું થઈ જશે અને ઇ-કોમર્સ સુવિધાઓના કારણે લોકોની જીવનશૈલીમાં વધુ ગતિહીનતા આવી શકે છે. કેમ કે લોકો સોશિયલ એક્ટિવિટીઝમાં સામેલ થવાના બદલે ઘરે રહેવું, ઓટીટી કન્ટેન્ટ જોવું અને ઓનલાઇન ભોજન ઓર્ડર કરવાનું પસંદ કરશે.
ઈ-કોમર્સને ખતમ કરવા નથી માંગતો
વાણિજ્ય પ્રધાને જણાવ્યું હતું કે હું ઇ-કોમર્સને ખતમ કરવા નથી માંગતો, તે હંમેશા માટે છે. પરંતુ તેની વૃદ્ધિનું યોગ્ય દ્રષ્ટિકોણ સાથે મૂલ્યાંકન થવું જોઈએ.
એમેઝોનની 6,000 કરોડની ખોટ પર પણ સવાલ
ગોયલે એમેઝોનની ભારતમાં રૂ. 6,000 કરોડની ખોટ પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમમે સંકેત આપ્યો હતો કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ બજારને બગાડનારી મૂલ્ય નિર્ધારણ નીતિઓ અપનાવે છે જેનો નાના રિટેલ વેપારીઓ પર વિપરીત અસર થાય છે. જો તમને એક વર્ષમાં 6,000 કરોડનું નુકસાન થાય છે તો કિંમતોમાં ગરબડની ગંધ નથી આવતી?
Source link