- ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી, કર્મચારી સામે લેવાશે પગલા
- એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે કરશે તપાસ
- ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરવાના રહેશે
રાજ્યમાં હવે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પર સકંજો કસવા માટે રાજ્ય સરકાર આ ચોમાસુ સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે વિધેયક લાવશે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સંપત્તિ જપ્ત થશે.
વિધાનસભા ગૃહમાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરવામાં આવશે
ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરવામાં આવશે. નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલશે. સ્પેશિયલ કોર્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ કે કંપની સામે પગલા લેવાશે. એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામેના કેસની તપાસ કરશે.
આરોપી કે તેના નજીકના સગાના નામે ખરીદેલી પ્રોપર્ટી જપ્ત કરી શકાશે
આ કાયદા હેઠળ આરોપી કે તેના અન્ય કોઈ નજીકના નામે ખરીદેલી પ્રોપર્ટી પણ જપ્ત કરી શકાશે. અન્ય વ્યક્તિના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટીસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે નહીં તેવા વ્યક્તિને ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણુંક અપાશે. ત્યારે ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરવાના રહેશે.
આજે ગૃહમાં કાળા જાદુ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર
વિધાનસભામાં ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ કાળા જાદુ નિર્મુલન બિલ રજૂ કરવામાં આવ્યું અને તે સર્વાનુમતે પસાર થઈ ગયુ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ હતું. વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈ માનનીય ભુવાજીઓને આમાં જોડ્યા નથી, દોરો બાંધવો અને વાળ બાંધી લટકાવવા બંનેમાં તફાવત છે. ખોટા લોકો આસ્થાને અલગ દિશામાં લઈ ના જાય એના માટે આ બિલ લાવવામાં આવ્યું છે, શોષિત લોકોને બચાવવા માટે આ બિલ છે.
કાળા જાદુના બિલની ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં રમુજી ટીખળ
ત્યારે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આ કાળા જાદુ બિલને લઈ કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સી.જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરવામાં આવ્યો, જેથી તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહ્યા, ત્યારે આ સાંભળીને ગૃહમાં તમામ લોકોના મોઢા પર હાસ્ય રેલાયુ હતું.
Source link