કચ્છના લખપતમાં ન્યુમોનિયાએ કહેર મચાવ્યો છે. ત્યારે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કચ્છના લખપત અને અબડાસામાં ન્યુમોનિયાથી 13 જેટલા મૃત્યુ નોંધાયા છે.
મોતનું કારણ જાણવા માટે ટીમ મોકલી: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે આ મૃત્યુનું કારણ જાણવા રાજકોટ કોલેજ અને અદાણી ઈન્સ્ટીટ્યુટમાંથી નિષ્ણાતની ટીમ મોકલવામાં આવી છે અને આ ટીમ મૃત્યુ થવાના કારણો જાણી રાજ્ય સરકારને 2 દિવસમાં રિપોર્ટ સુપરત કરશે અને ત્યારબાદ સરકાર આ મુદ્દે કાર્યવાહી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે લખપતમાં ભેદી બીમારીથી વધુ એકનું મોત થયું છે, આજે વધુ એક મહિલાનું આ રોગથી મોત થયું છે અને અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત થયા છે. ત્યારે મોતને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને કચ્છમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે અને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે: કચ્છ કલેક્ટર
કચ્છ જિલ્લાના કલેકટરે જણાવ્યું કે લખપત તાલુકામાં ગંભીર બીમારીના કારણે મોત થઈ રહ્યા છે. કચ્છ કલેકટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે, ત્યારે પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, H1N1 સ્વાઈન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તેમજ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમ સર્વેલન્સ કરી રહી છે તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે તેમજ વધુ ચકાસણી માટે ત્યાં પહોંચી છે, સાથે સાથે મંગવાણા અને દયાપર પીએચસી સેન્ટરના ડોક્ટરોને પણ ઓપિડી ચેકઅપ માટે કાર્યરત કરવામાં આવ્યા છે.
પાન્ધ્રો જિલ્લા પંચાયતના સભ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો
ગઈકાલે જ લખપતના બેખડા, સાંધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં ન્યુમોનિયાના કારણે 12 જેટલા લોકોના મોત નોંધાયા હતા. ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે આરોગ્ય તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું હતું. ત્યારે ગઈકાલે જ પાન્ધ્રો જિલ્લા પંચાયતના સભ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને સમગ્ર પરિસ્થિતિ અંગે જાણકારી આપી અને પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી.
Source link