શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. બોર્ડે શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યાને તેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ જયસૂર્યા એક્ટિંગ કોચ તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. પરંતુ હવે બોર્ડે તેને નિયમિત કોચ બનાવવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 2026 સુધી કોચની નિમણૂક
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સનથને 1 ઓક્ટોબરથી 31 માર્ચ, 2026 સુધી નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં તેણે શ્રીલંકન ક્રિકેટ ટીમને શાનદાર કોચિંગ આપ્યું હતું. તેમના કોચિંગ હેઠળ, ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી 3 મેચની ટેસ્ટ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. ટીમે એક ટેસ્ટ મેચ જીતી હતી. આ સાથે જ લંકાએ ન્યૂઝીલેન્ડ સામે ઘરની ધરતી પર ટેસ્ટ સિરીઝ પણ જીતી લીધી હતી.
ભારત સામે ફટકારી હતી ત્રેવડી સદી
આ ઉપરાંત તાજેતરમાં રમાયેલી 3 મેચની વનડે સિરીઝમાં પણ ભારતને શ્રીલંકા દ્વારા પરાજય મળ્યો હતો. શ્રીલંકાએ આ સિરીઝ 2-0થી જીતી હતી. તેમના કોચિંગ હેઠળ શ્રીલંકન ક્રિકેટ ટીમનું કદ વધ્યું છે. 1997માં, શ્રીલંકન ક્રિકેટ ટીમ માટે રમતી વખતે જયસૂર્યાએ ઓપનિંગ બેટ્સમેન તરીકે 340 રનની ઇનિંગ રમી હતી. જયસૂર્યાએ આ મેચમાં 578 બોલનો સામનો કર્યો અને 36 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જોકે આ મેચ ડ્રો રહી હતી.
જયસૂર્યાની શાનદાર કારકિર્દી
સનથે શ્રીલંકા માટે 110 ટેસ્ટ મેચમાં બેટિંગ કરી અને 40.07ની એવરેજથી 6973 રન બનાવ્યા. 445 ODI મેચોમાં આ ખેલાડીએ 32.36ની એવરેજથી 13430 રન બનાવ્યા હતા. આ સિવાય જયસૂર્યાએ 31 T-20 મેચમાં 629 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં 14 સદી ફટકારી છે જ્યારે વનડેમાં તેણે 28 સદી ફટકારી છે.