મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ હશે તે આજે નક્કી થઇ જશે. આજે ભાજપ ધારાસભ્ય દળના નવા નેતાની પસંદગી કરશે. ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક બનાવ્યા છે. આ અંગે આજે નિર્ણય લેવાનો છે. ત્યારે મુંબઇમાં તો અત્યારથી જ દેવેન્દ્ર ફડણવીસના નામના પોસ્ટર લાગી ગયા છે.
દેવેન્દ્ર ફડણવીસ બનશે સીએમ ?
મુંબઈમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે દર્શાવતા પોસ્ટર્ લાગ્યા છે. કફ પરેડ વિસ્તારમાં તાજ પ્રેસિડેન્ટ હોટેલની બહાર આ પોસ્ટર્સ લગાવેલા જોવા મળે છે. જ્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય નિરીક્ષકો રોકાયા હતા.
ત્રણેય પક્ષોના નેતાઓ રાજભવન જશે
શિવસેનાના પ્રવક્તા કિરણ પાવસ્કરે જણાવ્યું હતું કે બુધવારે ભાજપ વિધાયક દળની બેઠક બાદ ત્રણેય પક્ષોના નેતાઓ બહુમતનો આંકડો રાજ્યપાલ પાસે લઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે મહાગઠબંધનમાં કોઈ તિરાડ નથી. ભાજપ પાસે સૌથી વધુ સંખ્યા છે. અમે કોઈ મંત્રાલયની વાત નથી કરી રહ્યા. મહાયુતિ એક થઈ ગઈ છે.
ધારાસભ્ય દળની બેઠક મહત્વપૂર્ણ
બુધવારે સવારે 10 વાગ્યે બીજેપી વિધાયક દળની બેઠક છે. આ બેઠકમાં બે નિરીક્ષકો નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી દિલ્હીથી આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે નક્કી કરવામાં આવશે.
શિંદેએ ગઇકાલે યોજી હતી બેઠક
સતારાથી આવ્યા બાદ પણ મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેમાં પોતાના ઘરે જ હતા. તેમની તબિયત સારી ન હતી. આ અંગે અનેક અટકળો ચાલી રહી હતી. સ્થિતિ એવી બની કે તેમને હોસ્પિટલ પણ જવું પડ્યું. પરંતુ બપોરે તેઓ વર્ષા બંગલે પાછા ફર્યા હતા. જ્યાં તેમણે તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી. આ પછી ડો.ભીમરાવ આંબેડકરના મહાનિર્વાણ દિવસની તૈયારીઓને લઈને એક બેઠક પણ યોજાઈ હતી.