અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે શુક્રવારે જણાવ્યું હતું કે તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ઇમરજન્સી’ મોકૂફ રહી છે અને ફિલ્મ માટેની નવી રિલીઝ તારીખ ટૂંકમાં જાહેર કરવામાં આવશે. રાજકીય ઘટનાક્રમ પર આધારિત ફિલ્મની પટકથા લેખન રનૌત દ્વારા થયું છે અનેતે ફિલ્મની સહનિર્માત્રી છે.
શુક્રવારે તે ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ તરફથી ફિલ્મ નિર્મતાઓએ મંજૂરી મેળવવાની બાકી છે. કેસ વર્તમાનમાં કોર્ટમાં ચાલી રહ્યો છે.
હિમાચલપ્રદેશની મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌતે એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભારે હૃદયે મારે જાહેર કરવું પડે છે કે મારા દિગ્દર્શનમાં તૈયાર થયેલી ફિલ્મ ઇમરજન્સી હાલમાં મુલતવી રાખવામાં આવી છે. સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળે તેની અમે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. નવી રિલીઝ તારીખ ટૂંકમાં જાહેર કરવામાં આવશે. તમે સમજીને ધીરજ ધરી રહ્યા છો તે બદલ આભાર.’ ફિલ્મમાં દિવંગત વડાપ્રધાન ઇંદિરા ગાંધીની ભૂમિકા નિભાવી ચૂકેલી કંગના રનૌતે થોડા દિવસ પહેલાં સેન્સર બોર્ડ પર આક્ષેપ કર્યા હતા કે રિલીઝમાં વિલંબિત કરવા બોર્ડ પ્રમાણપત્ર અટકાવી રહ્યું છે. હકીકતે શિરોમણિ અકાલી દળ સહિતના શીખ સંગઠનોએ ફિલ્મમાં હકીકતોનું ખોટી રીતે નિરૂપણ થયાના આક્ષેપ કર્યા પછી ફિલ્મ વિવાદમાં ફસાઈ ગઈ હતી.
Source link