ઈરાન ઈઝરાયેલ વચ્ચે હાલ ટક્કર જારી છે ત્યારે ભૂતકાળના સંઘર્ષોની વાત કરીએ તો તેવા સમયમાં યુદ્ધની ભીતિએ શેરબજારમાં જોરદાર ધોવાણ થયું હોવાના પુરાવા મળે છે.
ત્યારબાદ ધીમે ધીમે સ્થિતિ સુધરી જશે તેવી લાગણી અનુભવાતા માર્કેટમાં તીવ્ર તેજી આવે છે. આ સંઘર્ષો વચ્ચે કારગિલ યુદ્ધ અપવાદ છે. કેમ કે, ભારત-પાકિસ્તાન કારિગલ યુદ્ધની ભીતિએ નિફ્ટીમાં 13 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તમામ સમીકરણોને ખોટા પાડતાં નિફ્ટીમાં 41 ટકાનો વધારો થયો હતો અને કારગિલ યુદ્ધ બાદ પણ નિફ્ટીમાં તેજી જારી રહી હતી. વિશ્વના કોઈ પણ ખૂણે યુદ્ધ થાય તે માનવ સમાજ માટે સારી કે આવકારદાયક બાબત નથી, પણ જીવનમાં આફતમાંથી તક શોધવાની યુક્તિ પુરૂષાર્થની સાક્ષી આપે છે. ત્યારે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, વિશ્વના કોઈપણ દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે વૈશ્વિક શેરબજારો પર તેની નકારાત્મક અસર પડે છે અને સ્ટોક્સમાં ભારે ધોવાણ થાય છે. શેરબજાર ઐતિહાસિક રીતે તૂટતું હોવાથી આવી સ્થિતિ રોકાણકારો માટે પોતાના પસંદગીના શેર ખરીદવા માટેની એક તક હોય છે. કેમ કે, આવા સમયે શેરની કિંમત નોંધપાત્ર રીતે ઘટી જાય છે. રોકાણકારો યુદ્ધની સ્થાનિક અસર અને તે યુદ્ધ કેટલો સમય સુધી ચાલી શકે તેમ છે, તેવા પરિબળોના આધારે પસંદગીના શેરમાં ફ્રેશ એન્ટ્રી કરે છે.
1990માં ઈરાક અને કુવૈત વચ્ચેના યુદ્ધ સમયે વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો થયો હતો. તે સમયે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ બમણો વધારો થયો હતો. આ યુદ્ધના ચાર માસ બાદ બજારો ફરી રફતારની સ્થિતિમાં આવી ગયા હતા. 1999માં ભારત અને પાકિસ્તના વચ્ચે કારગિલ યુદ્ધ સમયે પણ માર્કેટમાં જંગી ઘટાડો નોંધાયો હતો. જો કે આ યુદ્ધ કે સંઘર્ષનો સમયગાળો ટૂંકો હોવાનું અનુભવતાતા બજાર ફરી બેઠું થયું હતું અને તીવ્ર તેજી આવી હતી.
માર્કેટના ભૂતકાળના ડેટા દર્શાવે છે કે, કોઈપણ નકારાત્મક ઘટના કે અનિશ્ચીતતા સમયે શેરબજારમાં ભારે ઉથલપાથલ સર્જાય છે. અલબત્ત સમય પસાર થતાં જેમ જેમ ઘટનાક્રમ સામે આવતો જાય છે ત્યારે એવું સમજાય છે કે, સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ શકે છે, આવી સ્થિતિમાં શેરબજારમાં આવતી તેજી પણ ઐતિહાસિક હોય છે. સામાન્ય રીતે ભૌગોલિક રાજકીય તંગ સ્થિતિ સમયે શેરબજાર ઊંધા માથે પટકાય છે પણ પછીથી સ્થિતિ સુધરતા ફરી તેની ચાલમાં આવી ઐતિહાસિક સપાટી બનાવે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
કારગિલ યુદ્ધ દરમિયાન નિફ્ટી – 50નું પ્રદર્શન
જાન્યુઆરી 1999થી એપ્રિલ 1999 વખતે ભારત-પાકિસ્તાન યુદ્ધની દહેશતે નિફ્ટીમાં 13 ટકાનો ઘટાડો થયો હતો
ત્રીજી મે 1999થી 26 જૂલાઈ 1999 દરમિયાન એટલે કે, કારગિલ યુદ્ધ સમયે નિફ્ટીમાં 41 ટકાનો વધારો થયો હતો
કારગિલ યુદ્ધ સમાપ્ત થયા પછી એટલે કે, ઓગસ્ટ 1999થી સપ્ટેમ્બર 1999 દરમિયાન નિફ્ટીમાં તેજી જારી રહી હતી
Source link