ENTERTAINMENT

રજનીકાંતની ફિલ્મનું ચાલી રહ્યું હતું શૂટિંગ, અચાનક લાગી આગ, ટળી મોટી દુર્ઘટના

સાઉથના મેગાસ્ટાર રજનીકાંતે વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જેલર’થી ધૂમ મચાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. હવે સુપરસ્ટાર તેમની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. હાલમાં રજનીકાંત લોકેશ કનાગરાજના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘કુલી’નું શૂટિંગ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પોર્ટમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, પરંતુ શૂટિંગ દરમિયાન એક કન્ટેનરમાં આગ લાગી હતી. પરંતું સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં ફિલ્મના ક્રુ મેમ્બર્સ બચી ગયા છે.

હાલમાં જ રજનીકાંત કુલીના 40 દિવસના શૂટ શેડ્યૂલ માટે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને અચાનક નજીકના કન્ટેનરમાં આગ લાગી, જેના કારણે શૂટિંગ અધવચ્ચે જ રોકવું પડ્યું. પરંતુ આ આગમાં કોઈને ઈજા થઈ નથી અને આખી પ્રોડક્શન ટીમ સુરક્ષિત છે.

ફરી શરૂ થયું શૂટિંગ

ટર્મિનલના કર્મચારીઓએ ધુમાડો જોયો કે તરત જ તેમણે તે પોર્ટની ફાયર સર્વિસ ટીમને જાણ કરી અને આગને બુઝાવવા માટે પાંચ ફાયર એન્જિન ત્યાં પહોંચી ગયા. કાસ્ટ અને ક્રૂ આ ઘટનાથી ખૂબ જ ચિંતિત હતા કારણ કે ‘કુલી’નું શૂટિંગ લોકેશન નજીકમાં હતું. પરંતુ આગ ઓલવ્યા બાદ ટીમે ફરીથી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. વિશાખાપટ્ટનમ પોર્ટ પર બનેલી ઘટના બાદ ફિલ્મ સેટ અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. પરંતુ ‘કુલી’ની ટીમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને શૂટિંગ ફરી શરૂ થઈ ગયું છે.

‘કુલી’નું સાઉન્ડટ્રેક અનિરુદ્ધ રવિચંદર દ્વારા રચવામાં આવ્યું છે. ‘વિક્રમ’ અને ‘લિયો’ જેવી ફિલ્મોની સફળતા બાદ લોકેશ કનાગરાજના ફેન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે આ ફિલ્મ આવતા વર્ષના ઉનાળામાં થિયેટરોમાં આવી શકે છે અને ફેન્સ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કુલીમાં પણ જોવા મળશે આ કલાકારો

‘કુલી’ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે, જેમાં રજનીકાંત નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં રજનીકાંત સિવાય સૌબીન શાહીર, નાગાર્જુન, શ્રુતિ હાસન, સત્યરાજ અને ઉપેન્દ્ર જેવા કલાકારો જોવા મળશે.

‘કુલી’માં આમિર ખાનની એન્ટ્રી

લોકેશ કનાગરાજના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન કેમિયો કરતો જોવા મળી શકે છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો આમ થશે તો 1995માં આવેલી ફિલ્મ ‘આતંક હી ટેરર’ બાદ રજનીકાંત સાથે આમિર ખાનની આ બીજી ફિલ્મ હશે.

આ ફિલ્મોમાં પણ જોવા મળશે રજનીકાંત

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત ટીજે જ્ઞાનવેલની ફિલ્મ ‘વેટ્ટૈયન’માં જોવા મળશે. આ ફિલ્મ 10 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મમાં રજનીકાંત સિવાય અમિતાભ બચ્ચન, ફહાદ ફાસિલ, મંજુ વોરિયર અને અન્ય કલાકારો લીડ રોલમાં જોવા મળશે. એક્ટર ‘જેલર’ની સિક્વલમાં પર પણ કામ કરી શકે છે. ‘જેલર’ 2023માં રિલીઝ થઈ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button