નવસારીમાંથી પસાર થતી DFC (ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર)ની રેલવે લાઈન પર બેસીને મોબાઈલમાં વાતો કરી રહેલા મિત્રોના મોત થયા હતા. તેના ગણતરીના દિવસોમાં જ નવસારની વીડિયો ક્રિએટર સલોની ટંડેલની રેલવેટ્રેક પર શુટ કરેલી રીલ વાયરલ થતા રેલવે પોલીસ ચોંકી ઉઠી છે. રેલવે ટ્રેક પરની રીલ બાદ સલોનીએ માફી માગી લીધી છે. પરંતુ, રેલવે પોલીસે સલોનીને હાજર થવા નોટિસ આપી છે. રેલવે પોલીસ સલોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે છે.
રેલવેટ્રેક પર રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી નવસારીની વીડિયો ક્રિએટર સલોની ટંડેલે અન્ય યુવકો સાથે નવસારીમાંથી પસાર થતી DFC(ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર)ની રેલવે લાઈન પર હિન્દી ફિલ્મના સોંગ સાથે રીલ શૂટ કરી હતી. ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી. જે બાદમાં વાયરલ થતા સવાલો ઉઠ્યા છે.
રેલવે પોલીસે સલોની ટંડેલને હાજર થવા કહ્યું આ મામલે નવસારી આરપીએફના પીઆઈ મહેન્દ્ર રાજોરિયાએ જણાવ્યું હતું કે, આ યુવતીને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી છે. તેમની સામે રેલવે પ્રોટેકશન ફોર્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારના વીડિયો બનાવવાથી રેલવે ટ્રેક પર અકસ્માત સર્જાય છે. જેના કારણે આ પ્રકારની કોઈ બીજીવાર હરકત ન કરે તે માટે કાર્યવાહી જરુરી છે.
સલોની ટંડેલે કહ્યું- ‘આ મારી ભૂલ છે’
સલોની ટંડેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે અવનવા વીડિયો બનાવી અપલોડ કરતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના હજારો ફોલોઅર્સ છે. રેલવેટ્રેક પરની રીલ વાઈરલ થયા બાદ વિવાદ થતા સલોનીને પણ તેની ભૂલ સમજાઈ છે ત્યારે તેને કહ્યું હતું કે, આ મારી ભૂલ છે. બીજી વખત આ પ્રકારના વીડિયો નહીં બનાવું. સાથે કહ્યું હતું કે, વીડિયો શુટ કરતી વખતે પૂરતી તકેદારી રાખી હતી કે અકસ્માત ન થાય.
સલોની ટંડેલના ફેસબુક-ઈન્સ્ટા પર લાખો ફોલોઅર્સ
વીડિયો ક્રિએટર સલોની ટંડેલ અવનવી રીલ્સ બનાવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતી રહે છે. સલોનીના ફેસબુક પર 5 લાખ 12 હજાર અને ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ 86 હજાર ફોલોઅર્સ છે.
નવસારીમાં રેલવે ટ્રેક પર પાંચ દિવસ પહેલા બે મિત્રો કપાયા હતા
નવસારીના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર પાંચ દિવસ પહેલા બે યુવકોના મોત નીપજ્યા હતા. રાત્રે રામ જન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના બે યુવક પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક પર બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે જ માલગાડી ત્યાંથી નીકળતા બંને યુવકો કપાયા હતા. આ ઘટનાના પગલે આસપાસથી લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
એક મહિના પહેલા નબીરાઓએ કારનો કાફલો દોડાવી રીલ્સ બનાવી હતી
આજકાલ યુવાઓ જ્યારે પણ તક મળે રીલ્સ બનાવી નાખતા હોય છે. ક્યારેક રીલ્સના ગાંડપણમાં કયા સ્થળે બનાવી રહ્યા છે તે ભૂલી જતા હોય છે. ગાંધીનગરના આઈકોનિક રોડ પર પણ એક મહિના પહેલા નબીરાઓએ એક સાથે 10 જેટલી કારનો કાફલો દોડાવી રીલ્સ બનાવી હતી. જેના કારણે પાટનગરમાં અન્ય વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. જેઓની રીલ્સ વાઈરલ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી અને રીલ્સ બનાવનારા યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Source link