દાહોદ નગરપાલિકાના સભ્યોમાં અંદરો અંદર વિવાદને પગલે આવતી કાલે યોજાનાર સામાન્ય સભામાં 34માંથી 24 સભ્યો ગેરહાજર રહેશે કે હાજર રહેશે? ની શહેરભરમાં ભારે ચર્ચાઓ વચ્ચે ખુદ પાલિકાના તંત્રના સત્તાધિશો તેમજ ભાજપનું મોવડી મંડળ મુંઝવણમાં મુકાયું છે.
ત્યારે નગરપાલિકાના એક વોર્ડ નંબર 7 નગર સેવકે સોશીયલ મીડીયાના માધ્યમથી ભાજપના શહેર પ્રમુખને રાજીનામું ધરી દેતાં તે પણ ચર્ચઓનો વિષય બની રહેવા પામ્યો છે. ત્યારે યોજાનાર સામાન્ય સભા કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે આવતીકાલે તા.19 મીએ જ ખબર પડશે.
દાહોદ પાલિકામાં છેલ્લા કેટલાંય વખતથી વિવાદ ચાલી રહ્યો છે. થતી ચર્ચાઓ મુજબ ભાજપના 24 સભ્યો તેઓની વિવિધ માંગણીઓને લઈને તમામ કક્ષાએ રજુઆત કરી ચુક્યાં છતાંય તેમને કોઈ પરિણામ મળ્યું નથી. આ પરિણામ કેમ નથી મળ્યું તે પણ સંશોધનનો વિષય છે. બીજી તરફ્ સમાધાનના પ્રયાસો કેમ કરવામાં આવતાં નથી અને વિવાદ વણસતો જ જાય છે. તેમ છતાંય તેનું કોઈ નક્કર નિરાકરણ હજુ સુધી લાવવામાં ન આવતાં ભાજપના નેતાઓ પણ મુંઝવણમાં હોવાનુ જાણવા મળ્યું છે. તેવા સમયે તારીખ 19મી સપ્ટેમ્બરના રોજ દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા મળનારી છે. જેમાં વિવિધ એજન્ડાના ઠરાવને બહાલી આપવાની છે. જેથી જે 24 સભ્યો તેમની માંગણીઓને લઈને નારાજ છે તેઓ સામાન્ય સભામાં હાજર રહેશે કે કેમ તે વિશે સમગ્ર નગરમાં વિવિધ અટકળો થઈ રહી છે. જો આ 24 સભ્યો ગેરહાજર રહેશે તો ભાજપના કુલ 34માંથી માત્ર 10 સભ્યો હાજર રહે તો સામાન્ય સભા ભરી શકાય કે કેમ તે કાયદાનો વિષય છે. બીજી તરફ્ આ સભ્યો જો હાજર રહે તો તેમનું વલણ સામાન્ય સભામાં કેવું હશે તે પણ રસપ્રદ બની રહેશે. ઉપરાંત આ સભ્યો કોઈ મોટા નેતાના દિશાનિર્દેશ પ્રમાણે મૌન રહીને સામાન્ય સભા સુખરૂપ પાર પાડી આપશે તેવું પણ ચર્ચાઈ છે. જો આ સભ્યો ગેરહાજર રહે તો પાલિકાના સત્તાધિશો માટે કપરા ચઢાણ હશે તેવું રાજકીય પંડિતો રજણાવે છે. આવા બધા સંજોગોની વચ્ચે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 07ના નગર સેવક લલીત આર. પ્રજાપતિએ બે, ત્રણ દિવસ પહેલા દાહોદ શહેર પ્રમુખને પોતાનું રાજીનામું સોશિયલ મીડીયાના માધ્યમથી મોકલી આપ્યાંનું જાણવા મળ્યુ છે. તેઓએ રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે કે, તેમના વોર્ડમાં તેમના સુચવેલા કોઈ કામ કરવામાં આવતાં નથી. સામાન્ય નાગરિકોની ફ્રિયાદોનું પણ નિરાકરણ કરવામાં આવતું નથી. આ ઉપરાંત તેમણે પોતાની વ્યથા રાજીનામા પત્રમાં ઠાલવી છે.
જો રાજીનામા પત્રમાં જણાવેલી નગર સેવકની આ વાત સત્ય હોય તો તેમના કામ તેઓ નારાજ 24 સભ્યોમાં સામેલ હોવાથી નથી કરાતા તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ નગર સેવકે રાજીનામુ શહેર પ્રમુખને મોકલી આપ્યું હોવાથી તેઓએ પોતાના કામ ન થતાં હોવાનું સીધી રીતે સંગઠનને જાણ કરી હોવાનું કહી શકાય છે.
Source link