રાજ્યમાં એક તરફ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે.તો બીજી તરફ મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા સબંધિત મળેલી ફરિયાદો બાદ અપાયેલ નોટીસનું અમલીકરણ જ નથી થતું. મહેસાણા જિલ્લામાં છેલ્લા એક માસમાં પાચોટ, રામોસણા અને ઓજી વિસ્તારના તલાટીઓને 25 કરતા વધુ નોટિસ આપવામાં આવી છે
નોટિસ આપ્યા બાદ પણ ફરિયાદો યથાવત
આ નોટિસ આપ્યા બાદ પણ ફરિયાદો યથાવત રહેતા અને આરોગ્ય વિભાગ દ્વારા લખાયેલ પત્રને હળવાશથી લેવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આ તલાટીઓ સામે હવે CRPCની કલમ 135 મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા જ સેવા કાર્યક્રમ
સ્વચ્છ ગામ અને સ્વચ્છ શહેર સૌને ગમેં અને આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન ઉપર સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મળતી ગંદકી સંબંધે ફરિયાદ બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપાતી લેખિત સૂચનાનું અમલીકરણ જ ના થતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.
ગ્રામપંચાયતના તલાટી વહીવટદારને લેખિત સૂચના
મહેસાણા તાલુકાની વાત કરવામાં આવે તો મહેસાણા તાલુકાની 10 જેટલી ગ્રામ પંચાયત વિસ્તારમાં નાગરિકો દ્વારા ગંદકી બાબતે થયેલી ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે સંબંધિત ગ્રામપંચાયતના તલાટી વહીવટદારને લેખિત સૂચના અપાઈ હતી.
જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી
આમ છતાં સબંધિત ગ્રામપંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન થતા નાગરિકો દ્વારા જિલ્લા પંચાયતમાં ફરી ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યો. છેવટે આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી અને હવે આરોગ્ય વિભાગની ફરિયાદને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ સબંધિત તલાટીઓ સામે એક્શન લેવાની શરૂઆત કરી છે.
Source link