ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ એક સમયે કરોડોના માલિક રહેલા કાંબલીને પણ આજે પૈસાની જરૂર છે. કાંબલીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં તેની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે.
કાંબલીની આ હાલત જોઈને દરેક ફેન્સ ચિંતિત જોવા મળી રહ્યા છે. સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ વ્યક્તિએ તેમને મદદ કરવાની વાત કરી છે. હવે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેલા કપિલ દેવે વિનોદ કાંબલીને મદદ કરવાની વાત કરી છે, પરંતુ કપિલ દેવે આ અંગે એક શરત પણ મૂકી છે.
વિનોદ કાંબલીને એક શરતે કરશે મદદ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કપિલ દેવે કહ્યું કે “આપણે બધાએ તેને સપોર્ટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ તેને આપણા કરતાં પોતાને વધુ સપોર્ટ કરવો પડશે. જો કોઈ વ્યક્તિ પોતાની સંભાળ ન રાખી શકે તો આપણે તેની સંભાળ રાખી શકતા નથી. અમે જે જોયું તેનાથી તમામ ક્રિકેટરો ખૂબ જ દુખી છે. હું ઈચ્છું છું કે તેના નજીકના મિત્રો તેને મદદ કરે, જેથી તે પોતાની સંભાળ લઈ શકે અને રિહેબમાં પાછા આવી શકે. “લોકોને આ બિમારી થાય છે, પરંતુ તમારે રિહેબમાં પાછા જવું પડશે અને અમે બધા તેને સમર્થન આપીશું.”
ગાવસ્કરે પણ કહી હતી મોટી વાત
વિનોદ કાંબલીની હાલની હાલત જોઈને દરેક જણ ચિંતિત છે. તેની હાલત એવી છે કે તે પોતાના ટેકે બરાબર ચાલી પણ શકતો નથી. થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે 1983ની ટીમ તેમની મદદ કરવા માંગે છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ ફરીથી તેમના પગ પર ઉભા રહે.