SPORTS

CSKને 4 વખત ચેમ્પિયન બનાવનારા સ્ટાર ખેલાડીએ T20 ક્રિકેટને કહ્યું અલવિદા

  • ડ્વેન બ્રાવોએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
  • બ્રાવોએ કહ્યું- તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર
  • CPL 2024 સિઝન તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ શનિવારે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બ્રાવો 40 વર્ષનો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી. બ્રાવોએ CPL ને ટેગ કર્યું અને લખ્યું – ધ લાસ્ટ સોંગ. તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર. બ્રાવોનું કહેવું છે કે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) 2024 સીઝન તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. આ પછી તે CPLમાંથી નિવૃત થઇ જશે.

CSKને 4 ટાઇટલ અપાવ્યા

બ્રાવો IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો ભાગ રહી ચૂક્યો છે. તેણે ફ્રેન્ચાઇઝી સાથે ચાર ટાઇટલ જીત્યા છે. આ પહેલા બ્રાવોએ 2023ની સિઝન પહેલા IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. જ્યારે UAEમાં 2021 T20 વર્લ્ડ કપ પછી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનનો બોલિંગ કન્સલ્ટન્ટ રહી ચૂક્યો છે. આ વખતે અફઘાન ટીમે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝને બે વર્લ્ડ કપ ટાઈટલ પણ અપાવ્યું છે.

બ્રાવો ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી રમશે

ડ્વેન બ્રાવો CPL 2024માં ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ છે. ટીમનો પ્રથમ મુકાબલો રવિવારે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ સામે થશે. ખાસ વાત એ છે કે તે CPLમાં બે ટીમો તરફથી રમી ચૂક્યો છે. જેમાંથી એક સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઓટ્સ છે. હવે ચાહકો તેને નિવૃત્તિ પહેલા રમતા જોઈ શકશે. તેના CPL કરિયરની વાત કરીએ તો બ્રાવોએ 103 મેચની 74 ઇનિંગ્સમાં 1155 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં તેણે 94 ઇનિંગ્સમાં 128 વિકેટ ઝડપી હતી. CSK સિવાય તે IPLમાં ગુજરાત લાયન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ રમી ચૂક્યો છે.

આવી રહી આંતરરાષ્ટ્રીય કારકિર્દી

બ્રાવોની આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દી ઘણી શાનદાર રહી છે. તેણે 578 મેચમાં 630 વિકેટ લીધી છે. તે તેની T20 કારકિર્દીમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ બોલર છે. તેણે બેટ વડે 6,970 રન પણ બનાવ્યા છે. ત્રિનિદાદના સાંતાક્રુઝમાં જન્મેલા બ્રાવાએ 2004માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2010માં, છેલ્લી ODI 2014માં અને છેલ્લી T20 ઈન્ટરનેશનલ 2021માં રમી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button