કડાણા નજીકની મહી નદી પર રાજય સરકાર દ્વારા રૂા.35 કરોડના માતબર ખર્ચે નવિન પુલનું નિર્માણ કરાયું છે. જે પુલ પર કડાણા તરફ્ કરાયેલા એપ્રોચ રોડની સાઈડમાં સીમેન્ટ, રેતી, કોંક્રીટથી બેસાડવામા આવેલા પથ્થરો અને પુરાણ ગત વર્ષે ચોમાસામાં મહીનદીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ જતાં મસમોટુ ગાબડુ પડી જતા તાલુકાના ઉત્તર વિભાગ સાથે રાજસ્થાન તરફનો વાહન વ્યવહાર એક સપ્તાહ સુધી બંધ રહ્યો હતો.
તંત્ર દ્વારા કામચલાઉ સમારકામ કરી રસ્તો ચાલુ કરાયો હતો. બાદમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા એપ્રોચ રોડની સેફ્ટી વોલના કામનુ ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાકટર મારફતે કામ હાથ ધરી સેફ્ટીવોલ તૈયાર કરી માટી પુરાણ કરાયું હતુ. કોન્ટ્રાકટરે માટીનુ જરૂરી પીચીંગ વર્ક નહીં કરી પથ્થર પીચીંગ વર્ક હાથ ધર્યું હતુ. જેમાં મોટાભાગે મહીનદીના ગોળ પથ્થરનો ઉપયોગ કરી વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો કરી શંકા વ્યકત કરાઈ હતી. જેને લઈ આ વર્ષે વરસાદી પાણીમાં માટીનુ ધોવાણ થતા સેફ્ટી વોલમાં ઠેક ઠેકાણે ફીટ કરાયેલા પથ્થરો ધસી ગયા છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરો(નીકો) પણ ઠેર ઠેર તુટી જતાં તંત્રની કામગીરીની પોલ ખુલી જવા પામી છે. ડામર રોડની સાઈડમાં ઠેર ઠેર તીરાડો પડી રોડ બેસી ગયો છે. જે ગમે ત્યારે ધરાશાયી થવાની શકયતા જોવાઈ રહી છે. છેલ્લા એક માસથી આ સ્થિતી હોવા છતાં તંત્ર દ્વારા આડશ મુકવામાં ન આવતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. હાલની સ્થળ સ્થિતી જોતા નવિન પુલના એપ્રોચ રોડના સેફ્ટીવોલની કરેલ કામગીરી તકલાદી અને ગુણવત્તા વિનાની કરાઈ હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. જેને લઈ કોન્ટ્રાકટર અને અધિકારીઓની લાપરવાહી પણ જોવા મળી રહી છે.
Source link