આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી અનેક ફિલ્મો છે. જે દર્શકોને ખૂબ ગમી રહી છે અને તેમાં અન્ય એક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે કે જેની વાર્તા જ કાંઈક અલગ છે.આ ફિલ્મનું નામ છે “ઉંબરો”. જે 24 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
ઉંબરો ફિલ્મની ટીમે સંદેશ ન્યૂઝની લીધી મુલાકાત
ફિલ્મના પ્રમોશન માટે ઉંબરો ફિલ્મની ટીમે સંદેશ ન્યૂઝની મુલાકાત લીધી હતી.અને ફિલ્મ રિલેટેડ ઘણી બધી વાતો પણ શેર કરી હતી.આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ “હેલ્લારો”ના નિર્દેશક અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ ઉંબરો સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ દ્વારા પ્રોડ્યુઝ કરવામાં આવી છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ અભિષેક અને કેયુ શાહ દ્વારા લખવામાં આવ્યા છે.આ ફિલ્મમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોષી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વિનીતા જોશી, આર્જવ ત્રિવેદી, સંજય ગલસર, પાર્લે પટેલ અને કરણ ભાનુશાલી મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મમાં સાત મહિલાઓના સાહસની વાત
સંદેશ ન્યૂઝની મુલાકાત દરમિયાન ઉંબરો ફિલ્મની ટીમે વાતચીત કરતા કહ્યું હતું કે, ગુજરાતના જુદા જુદા ખૂણામાંથી સાત મહિલાઓ કે જે એકબીજા માટે અજાણી છે. તેઓ એક ટુર કંપની દ્વારા લંડન જવા માટે તેમના પ્રથમ વિદેશી સાહસની શરુઆત કરવા માટે ભેગા થાય છે. અને આ પ્રવાસ દરમિયાન તેમની વચ્ચે અનેક અવરોધો છે.આ યાત્રા તેમની દરેક મર્યાદાઓને તોડે છે. જે દર્શાવે છે કે તે દરેક ઉંબરો ઓળંગીને પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે.
આર્જવ ત્રિવેદીએ ફિલ્મ વિશે કરી વાત
આર્જવ ત્રિવેદીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ ફિલ્મ મહિલાઓ ઉપર બનાવવામાં આવી છે પરંતુ ફિલ્મમાં વાત કરવામાં આવી છે માણસની, માણસાઈની. દરેક પ્રકારના એવા વ્યક્તિઓ કે જે લાગણીને સમજી શકે છે, ફિલ્મમાં દરેક પ્રકારના વ્યક્તિની વાત છે. ફિલ્મમાં તમને બે પુરુષો પણ જોવા મળશે. આ ફિલ્મને લઈને મને ઘણી આશા છે કારણકે આ ફિલ્મ ઉંબરો ઓળંગતી બહેનો ઉપર બનાવવામાં આવી છે અને દરેકના જીવનમાં ક્યાંકને ક્યાંક એવા ઉંબરા આવતા હોય છે. પોતે પોતાના જીવનમાં આગળ વધવું કે નહીં એવા પ્રશ્નોથી લોકો ઘેરાયેલા હોય છે. ઉંબરો ઓળંગવો કે નહીં આ સવાલ બધા માટે છે એ સ્ત્રી હોય કે પુરુષ હોય. આ ઉંબરાને કઈ રીતે ઓળંગવો? ઉંબરો ઓળંગવા માટે એમણે કરેલી ઈચ્છાઓ, તેમણે જોયેલા સપનાઓને પુરું કરવા માટેની હિમ્મત આ ફિલ્મ એમને આપશે. જેના કારણે ફિલ્મ પ્રત્યે વધુ અપેક્ષા છે.
તેજલ પંચાસરાએ સંદેશ ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત
તેજલ પંચાસરાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે, ફિલ્મમાં તેઓ સરિતા બા સોલંકીનું પાત્ર ભજવી રહ્યા છે જે લીંબડી ગામથી છે.તેમનું પાત્રએ ગામડાની સિમ્પલ અને ભોળી સ્ત્રીનું છે.અને ફિલ્મમાં એક સસ્પેન્સ પણ છે કે એવું શું છે જે એક સિમ્પલ ગામડાની સ્ત્રીને છેક લંડન સુધી લઈ જાય છે એ તમને ફિલ્મમાં જોવા મળશે.
વિનીતા જોશીની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત
વિનીતા જોશીએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારું પાત્ર એવું છે કે, જેની 10 વર્ષની દીકરી છે. જે વડોદરામાં રહે છે. હું ફિલ્મમાં હસતી નથી એ તમે નોટીસ કર્યું હશે. ફિલ્મમાં બે પુરુષ પાત્રો છે કિર્તી અને કિરણ આમ 9 લોકોની આ સ્ટોરી છે.
અમારી અલગ જ કેમેસ્ટ્રી જોવા મળશે : દીક્ષા જોષી અને તર્જની ભાડલા
દીક્ષા જોષી અને તર્જની ભાડલાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તમને અમારી અલગ જ કેમેસ્ટ્રી જોવા મળશે.આ બંને પાત્ર બધામાંથી યંગ છે. ફિલ્મમાં તમને બધા શેડ્સ જોવા મળશે. મમ્મી અને દીકરી વચ્ચેની કેમેસ્ટ્રી જોવા મળશે.સાતેય બહેનોની અલગ અલગ વાર્તા છે. એક સ્ત્રી સિંગલ મધર છે તો એક સ્ત્રી જે ઘરેથી ક્યારેય બહાર નથી નીકળી. તો ફિલ્મ જોવાની મજા આવશે.
Source link