GUJARAT

ડેરોલ ગામે દશે દિશાઓ ઝાકમઝોળ ભર્યા માટલી ગરબાથી ઝળહળી ઉઠી

કાલોલ તાલુકાના ડેરોલગામમાં આઝાદી પૂર્વેથી નવરાત્રી પર્વની સાથે દશેરા પર્વએ ઉજવાતા પરંપરાગત માટલીગરબા અનેરું અને આગવું મહત્વ ધરાવે છે, ડેરોલગામની ધાર્મિક પરંપરા મુજબ દશેરાની રાત્રીએ આખા ગામમાંથી ગામલોકો માનતા માનેલા માટલીગરબા રમતા મૂકવાની અનેરી આસ્થાનો મહિમાસભર ગામના પાદરે માતાજીના ચોકમાં આખું ગામ એક કુંડાળે રમતા હોય ત્યારે ગામનું પાદર માટલી ગરબાઓથી ઝગમગી ઉઠે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ડેરોલગામમાં નવરાત્રીની નવ રાત્રી પરંપરાગત રીતે સાંસ્કૃતિક શેરી ગરબાની રમઝટ માણે છે પરંતુ દશેરાની રાત્રે ગામલોકો માનતા મુજબના માટલીગરબા રમવાની અને રમાડવાની આસ્થા ધરાવતા હોય છે. જેમાં વર્ષ દરમ્યાન ગ્રામજનો પોતાના કોઈ પણ શુભ પ્રસંગ કે સામાજિક પ્રસંગો નિર્વિઘ્ને પાર પડે એ માટે પોતાની યથાશક્તિથી દશેરાએ માતાજીના ચોકમાં માટલીના ગરબા રમતા મૂકવાની માનતા રાખતા હોય છે. જેમાં માનતા સ્વરૂપે પોતાની યથાશક્તિ મુજબ 5,7,11,21,51 અને 101 જેટલા માટલી ગરબા ચઢાવવાની આસ્થા રાખતા હોય છે, એ આસ્થા મુજબ દશેરાના દિવસે સમસ્ત ગામમાં મોટાભાગના માનતા ધરાવતા ગામજનો સમી સાંજે જેને ગરબો કહેવાય છે એ છીદ્વોવાળા માટલી ગરબાઓની ફુલહારથી સુશોભિત કરી માટલીમાં વિવિધ ધાન્યો ભરી, માટલીમાં દીપ પ્રગટાવી કળશ મુકીને અને કળશ ઉપર એક દીપ પ્રગટાવી માનતા મુજબના માટલી ગરબાઓને આસપાસના કુટુંબીજનો, મિત્રમંડળ કે સગાંસંબંધીઓ મળીને શિર પર ઉપાડી ઘેર- ઘેરથી ગામના ઝાંપે આવેલા માતાજી મંદિરના ચોકમાં રમવા માટે આવે છે અને માતાજીના મંદિરના ચોકમાં સમસ્ત ગામના ભાઈઓ બહેનો યુવક યુવતીઓ એક હરોળમાં નવરાત્રીના સંગીતના તાલે પરંપરાગત માટલીગરબા રમે છે અને અંતે મોડી રાત્રે દરેક માટલી ગરબાને માતાજીના મંદિરના ચોકમાં મુકીને પોતાની આસ્થા પુરી કરે છે.

આમ જ્યારે ડેરોલગામના પાદરે આવેલા માતાજીના મંદિરના ચોકમાં આસ્થા આધારિત નવલા શણગાર સજી ધજીનેમાથે માટલી ગરબા ઉપાડીને સૌ કોઈ ઉત્સાહ અને ઉમંગના એક વૃંદમાં હેતના હિલોળે અનોખા માટલી ગરબાનો આનંદ લૂંટે છે અને શિર પર ઉપાડેલા માટલી ગરબાના ઝગમગાટથી ગામનું પાદર ઝળહળી ઉઠે છે. ડેરોલગામના માટલી ગરબાના નયનરમ્ય દ્રશ્યો અને દર્શનનો લાભ લેવા માટે ડેરોલગામ સહિત આસપાસના અનેક ગામોના લોકો પણ ઉપસ્થિત રહે છે.

માટલી ગરબો એટલે શું અને મહત્વ શું છે..?

ડેરોલગામના માટલી ગરબા અંગે ગામના શાસ્ત્ર્રીના જણાવ્યા મુજબ ગરબો એ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે. જેમ બ્રહ્માંડમાં એક સુર્યના કેન્દ્રમાં 27 નક્ષત્રો હોય છે તેમ ગરબામાં રહેલા માટલી ગરબાના દીપના કેન્દ્રમાં ગોળાકાર નવ નવની ત્રણ લાઈનમાં 27 છિદ્રો હોય છે જે 27 નક્ષત્રોનું પ્રતિક છે, એક નક્ષત્રને ચાર ચરણ હોય છે એટલે 27X4=108અંશે સુર્ય મંડળમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેની 108 ઘણી વ્યાસ રેખાને તદ્ઉપરાંત માનવ શરીરના 108 મર્મ સ્થાનોને છેદે છે. તેથી નવરાત્રિમાં માટલી ગરબાને કેન્દ્રમાં રાખી 108 વખત ગરબે રમવાની અથવા ઘુમવાથી બ્રહ્માડની 108 વ્યાસ રેખાની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે.

ફૂલોની રંગોળીએ આકર્ષણ જમાવ્યું

ડેરોલગામમાં દશેરાની રાત્રે માટલીગરબાની જમાવટ સાથે માતાજીના ચોકમાં દર વર્ષે અલગ અલગ થીમ આધારિત ફુલોથી સજાવેલી રંગોળી પણ આકર્ષણ જમાવે છે, આ વર્ષે અયોધ્યામાં નવનિર્મિત રામમંદિર સાથે તાજેતરમાં અચાનક વિદાય લેતા ટાટા ગ્રુપના લોકપ્રિય ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાને પણ શ્રાદ્ધાંજલિ અર્પણ કરતી ફુલોની રંગોળીએ આકર્ષણ જમાવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button