સંઘ પ્રમુખ મોહન ભાગવતે જન સંખ્યામાં ઘટાડો થવાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. મોહન ભાગવતે કહ્યું કે વસ્તીમાં ઘટાડો થવોએ ચિંતાનો વિષય છે. વસ્તી વૃદ્ધિ દર 2.1 હોવો જોઈએ. જો આનાથી ઓછું હોય તો તે સમાજ માટે મોટો ખતરો છે. તેમણે કહ્યું કે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો સમાજ માટે સારો નથી. સંઘના વડાએ કહ્યું કે બે થી ત્રણ બાળકો હોવા જોઈએ અને આ જરૂરી છે કારણ કે સમાજ ટકવો જ જોઈએ.
ઘટતી જનસંખ્યાને લઇને મોહન ભાગવત થયા ચિંતિત
મોહન ભાગવતે કહ્યું કે આધુનિક જનસંખ્યા વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઇ સમાજની જનસંખ્યા 2.1થી નીચે જતો રહે ત્યારે તે સમાજ ધરતી પરથી લુપ્ત થઇ જાય છે. આ રીતે ઘણી ભાષાઓ અને સમાજ નષ્ટ થયા છે. વસ્તી 2.1 થી નીચે ન હોવી જોઈએ. આપણા દેશની વસ્તી નીતિ 1998 અથવા 2002 માં નક્કી કરવામાં આવી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ સમાજની વસ્તી 2.1 થી નીચે ન હોવી જોઈએ.
વસ્તી નિયંત્રણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને સામને
મોહન ભાગવતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજેપીના ઘણા નેતાઓ વસ્તી નિયંત્રણની વાત કરી રહ્યા છે. દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની વાત કરી રહ્યા છે. જ્યારે સંઘ પ્રમુખ ઘટી રહેલા પ્રજનન દર અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. થોડા મહિના પહેલા રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય બાલમુકુંદાચાર્યએ વસ્તી નિયંત્રણ બિલ લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંતુલન અને વિકાસ માટે વસ્તી નિયંત્રણ બિલ લાવવું જરૂરી છે. બીજેપી ધારાસભ્યનું નિશાન એક ચોક્કસ સમુદાય સામે હતું. બાલમુકુંદાચાર્યએ કહ્યું કે વસ્તી વૃદ્ધિ વિકાસની ગતિને અવરોધે છે. એક ખાસ સમુદાય પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ચાર પત્નીઓ અને 36 બાળકોને મંજૂરી આપી શકાય નહીં.
પ્રજનન દર ઘટી રહ્યો છે
તો બીજેપી ધારાસભ્યના આ નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે બીજેપી એક ખાસ જન સમુદાયને ટાર્ગેટ બનાવી રહી છે. બીજેપીની મનશા જનસંખ્યાની વિશે ચિંતા કરવાની જગ્યાએ ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવાની છે. વસ્તી વધારાને અંકુશમાં લેવા માટે કાયદો બનાવવામાં આવશે તો કોંગ્રેસ તેનું સ્વાગત કરશે. મહત્વનું છે કે ભારતમાં પ્રજનન દર (સ્ત્રી દીઠ જન્મ દર) 1950માં 6.2 હતો, જે 2021માં ઘટીને 2 ટકાથી ઓછો થઈ ગયો છે. જો આમ જ ચાલુ રહેશે તો 2050 સુધીમાં ભારતમાં પ્રજનન દર 1.3 થઈ જશે.