હાલમાં લોકોના રેશનકાર્ડ અપડેટ કરવા અને તેનું KYC કરવા અંગેની કામગીરી ચાલી રહી છે. આ માટે મધ્યમ વર્ગના લોકોએ ઝોનલ કચેરી પર જઈને તેમનું બાયોમેટ્રિક કરવવાનું રહેતું હોય છે. આ વચ્ચે અસારવા ઘોડા કેમ્પ રોડ પર આવેલી ઝોન કચેરીમાં KYC માટેની કામગીરીમાં લાઈન લાગી રહી છે.
જેમાં છેલ્લા થોડાં દિવસોથી માત્ર એક બારી ચાલુ હોવાના કારણે લોકોને હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં લોકોએ સવારે 7 વાગ્યાથી લાઈન લગાવી પડી રહી છે અને તે પછી પણ દિવસના અંતે લોકોએ નંબર ન લાગવાના કારણે પાછા જવું પડે છે. જ્યારે ત્યાં હાજર અધિકારીઓ સ્ટાફ ન હોવાના કારણે બીજી બારી શરૂ કરી નથી તેમ કહી રહ્યા છે.
લોકોને અનાજ મળી રહે તે માટે સરકારે વ્યવસ્થા કરી છે. આ માટે લાભાર્થીઓએ પોતાના પરિવારના તમામ સભ્યોની KYC કરવાની રહેતી હોય છે. જેના માટે શહેરના મધ્યમાં આવેલા ઘોડા કેમ્પ રોડ પર સિવિલ હોસ્પિટલ અસારવાની ઝોનલ કચેરી ખાતે લાભાર્થીઓની લાઈન લાગી રહી છે. જેના માટે અગાઉ ટોકન આપવામાં આવતાં હતા પરંતુ દિવાળીની રજાઓ બાદ ટોકન આપવાનું બંધ કરી દેવાના કારણે સવારે પાંચ-છ વાગ્યાથી લાઈન લગાવી પડી રહી છે. જ્યારે માત્ર એક જ બારી 10 વાગ્યા બાદ ખુલે છે, જેના કારણે લાભાર્થીઓની લાંબી લાઈન લાગી જાય છે. યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે કેટલાંક લોકોએ સાંજે પરત ફરવું પડે છે. આ અંગે ત્યાં આવેલા લાભાર્થીએ જણાવ્યું કે, છેલ્લા 2 દિવસથી સતત આવી રહ્યા છે. આ માટે આખા પરિવારને લઈને આવું પડે છે. પરંતુ લાઈનમાં વધુ લોકો હોવાના કારણે કેટલાંક લોકોએ પરત ફરવું પડે છે. જ્યારે ત્યાં ઓફિસમાં અધિકારીને અગાઉની માફક ટોકન આપવા અંગે કહ્યું તો તેઓ વાત નકારી દીધી હતી. અહીં ઉંમરલાયક વડીલોથી લઈ નાના બાળકો સવારથી બેસી રહેવાના કારણે ભારે હલાકી થઈ રહી છે. જેના અંગે યોગ્ય બારીની વ્યવસ્થા કરવી જોઇએ.
આ અંગે અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં અસારવાથી લઈ શાહપુર, શાહીબાગની આસપાસના લોકો આવે છે. જેથી હાલમાં સ્ટાફની અછત હોવાથી બીજી બારી શરૂ કરવામાં આવી રહી નથી. તેમજ સર્વરની કામગીરી ધીમી ચાલતી હોવાના કારણે સમયની ફાળવણી થતી નથી તેથી ટોકન આપવાનું પણ બંધ છે. જેના માટે ધ્યાન દોરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નિરાકરણ આવી જશે.
Source link