GUJARAT

Surat: જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, ફરી વરસાદ શરૂ

આજે સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે અને જિલ્લામાં ફરી વરસાદની ઈનિંગ શરૂ થઈ છે. આ સાથે જ બારડોલી નગર અને તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે.

ખેડૂતોમાં ફરી એક વખત ખુશીનો માહોલ જોવા મળ્યો

બારડોલીના સ્ટેશન વિસ્તાર, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ, તેન ગામ અને આફવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી એક વખત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થઈ છે અને ભર બપોરે વરસાદ જોવા મળ્યો હતો. એક બાજુ સૂરજદાદા દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લોકો ગરમી અને બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેની વચ્ચે વરસાદ વરસતા લોકોને આંશિક રાહત મળી છે.

સાપુતારા પંથકમાં બપોરના બફારા બાદ વરસાદનું આગમન

બીજી તરફ ડાંગ જિલ્લામાં આહવા ખાતે પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને હવામાન વિભાગની માહિતી મુજબ વરસાદનું આગમન પણ થયું છે. ડાંગ જિલ્લામાં આહવા અને સાપુતારા પંથકમાં બપોરના બફારા બાદ વરસાદનું આગમન થયું છે અને વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વાપીમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો

ત્યારે વલસાડ જિલ્લામાં પણ આજે બીજા દિવસે પણ વરસાદી ઝાપટા યથાવત જોવા મળી રહ્યા છે. વાપી, દમણ, ઉંમરગામ અને સેલવાસ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાપીમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી હતી.

વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની આગાહી

જો કે હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બુધવારથી બે દિવસ ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસશે તો અમદાવાદમાં બે દિવસથી ગરમીનો પારો પણ વધી રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું હતું તો કંડલા અને રાજકોટમાં તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button